કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામના મીઠી રોહર વિસ્તારમાં આવેલી અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફીટનેસ ટેસ્ટીંગ સ્ટેશન ખાતે વાહન ફિટનેસ સર્ટિફિકેટ અને રીપાસિંગની પ્રક્રિયા માટે વધારાની રકમ માંગતા કર્મચારીને એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, એ.સી.બી.ને બાતમી મળી હતી કે કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અને રીપાસિંગ માટે કાયદેસરની ઓનલાઈન ફી ઉપરાંત અરજદારો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવે છે. બાતમીના આધારે એ.સી.બી. કચ્છ (પૂર્વ) દ્વારા ડીકોય ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
ડીકોય તરીકે સહકાર આપનાર જાગૃત નાગરિક પોતાના વાહનનું રીપાસિંગ કરાવવા ટેસ્ટીંગ સ્ટેશન પર પહોંચ્યા હતા. તે દરમિયાન ત્યાં ફરજ બજાવતા વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટે ઓનલાઈન ફી સિવાય રૂ. 2,250ની વધારાની રકમની માંગણી કરી હતી. પૂર્વ આયોજન મુજબ ડીકોય દ્વારા રકમ આપતા આરોપીએ લાંચ સ્વીકારી હતી, જેના આધારે એ.સી.બી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ રૂ. 2,250 કબજે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પુરાવા એકત્રિત કરી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
જ્યારે મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
એ.સી.બી. દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સરકારી કે જાહેર સેવા માટે લાંચની માંગણી કરવામાં આવે તો તેની જાણ તાત્કાલિક એ.સી.બી.ને કરી ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહભાગી બનવું જોઈએ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
