સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઈતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનમાં હવે રાજકારણની ગંધ આવી રહી છે. અગાઉ જેમ ગુજરાત યુનિવર્સિટી કાંડમાં SOGની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી અને એક નેતાનો ભોગ લેવાઈ ગયો હતો. તેમ હવે આ ડિમોલિશનમાં પણ SOGના DCP નકુમ હાજર હતા, જે ફરી એકવાર SOGની શંકાસ્પદ ભૂમિકા તરફ સવાલ ઉભા કરી જાય છે. ત્યારે આ વખતે પણ કોઈ નેતાનો ભોગ લેવાય છે કે કેમ? તેની પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે આ બધા વચ્ચે સુરતના ચર્ચાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે 10 શંકા ઉપજાવતા સવાલના જવાબ ક્યારે મળશે તેની સૌકોઈ રાહ જોઈ રહ્યા છે. સવાલ:1 શું આ ડિમોલિશન કોઈ રાજકીય હિસાબ સેટ કરવા થયું?
રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડિમોલિશન કોઈ નેતાને રાજકીય રીતે ‘માપ’માં રાખવા થયું હોય તેમ લાગે છે, સુરતના જ 2 દિગ્ગજ નેતાઓ એકબીજાને શેહ, માત આપવાના ખેલમાંં હોય અને એટલે જ આ મેટર આટલી ચગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે જ રાજકીય પંડિતો આ મેટરને રાજકારણ સાથે જોડી રહ્યા છે. સવાલ:2 શું પૈસાનો વહીવટ પૂરો ના થતાં ભાંડો ફૂટ્યો?
સુરતમાં હાલ એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે બિલ્ડર માટે જમીન ખાલી કરાવ્યા બાદ એક જગ્યાએ 10 કરોડ અને એક જગ્યાએ 5 કરોડનો વહીવટ કરવાનો હતો. પણ ક્યાંક પૈસા પહોંચ્યા નહીં અને સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમને પૈસા મળ્યા નહીં તેમણે જ સામેવાળાને કંટ્રોલમાં કરવા આ વાત લિંક કરી, પણ સમય જતાં આ મામલો કાબૂ બહાર ગયો હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે. સવાલ:3 SMCએ પ્રોસિજર કેમ ફોલો ના કરી?
આ બધામાં સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે હંમેશા પ્રોસીજર ફોલો કરતી SMCએ આટલું મોટું ડિમોલિશન વગર કોઈ પ્રોસિજર ફોલો કર્યા વગર જ કરી નાખ્યું. આટલું મોટું જોખમ કોના ઈશારે અને કોના માટે લેવાયું તે પણ એક મોટો સવાલ છે. SMCના ‘હોશિયાર’ અધિકારીઓએ આટલી મોટી ભૂલ કેમ કરી કે પછી કોઈ મોટું પીઠબળ હોવાથી હાથે કરીને ભૂલ કરી તેવું પણ લોકમૂખે ચર્ચાઈ રહ્યુ છે. સવાલ:4 દબાણ તોડતી વખતે સ્થાનિક પોલીસ હોય અહીં કોના ઇશારે SOG બંદોબસ્તમાં હતી?
સામાન્ય રીતે કોઈ પણ સરકારી જમીનોમાં કરવામાં આવેલા દબાણોને તોડતી વખતે પાલિકાના અધિકારીઓની સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવતો હોય છે, જ્યારે નાસીરનગરના ડિમોલિશનના કિસ્સામાં કાચાં-પાકાં મકાનો તોડવા માટે કોના ઈશારે SOG પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો એ મુદ્દો તપાસનો વિષય છે. સવાલ:5 ડિમોલિશનમાં SOGના DCP નકુમ, મ્યુનિ.ના બે અધિકારી હાજર છતાં કેમ કહે છે ‘અમને ખબર નથી’?
શંકા ઉપજાવતી વાત એ છે કે ડિમોલિશન થયું ત્યારે SOGના DCP નકુમ, મ્યુનિ.ના બે અધિકારી કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ અને જયાંગ જીવન રામજીવાલા હાજર હતા. જ્યારે આ બાબતે તેમને પૂછવામાં આવ્યું ત્યારે DCP નકુમ, મ્યુનિ.ના બે અધિકારીઓએ ‘અમને ખબર નથી’? તેમ જણાવ્યુ હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આટલા જવાબદાર અને સિનિયર અધિકારીઓ ડિમોલિશન સમયે ત્યાં હાજર છે તેવા વીડિયો છે છતાં પણ આ અધિકારીઓ જુઠ્ઠું કેમ બોલી રહ્યા છે. તેમને કંઈ વાતનો ડર સતાવી રહ્યો છે. તેમને આ ડિમોલિશન પ્રક્રિયાથી પોતાને દૂર કેમ રાખવા માંગે છે. ડિમોલિશન સમયે તો આ અધિકારીઓ પોતાના હોદ્દાનો પાવર અને રુઆબ બતાવી સ્થાનિકો પર રોફ જમાવતા હતા. તો હવે તેમને ત્યાં હાજર હતા તે વાત સ્વીકારવાથી કેમ ડરી રહ્યા છે? જયાંગ જીવન રામજીવાલા અચાનક રજા પર ઉતરી ગયા
આ બધી વાતો વચ્ચે નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક એન્જિનિયર ગઇકાલ(8 જૂન) સવારથી અચાનક એક સપ્તાહ માટે રજા પર ઉતરી ગયા છે. માથા પર રૂમાલ બાંધીને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે હાજર રહેલા જયાંગ જીવન રામજીવાલાએ વિવાદ વકરતાં પોતાને બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયામાં ડિમોલિશન કામગીરી દરમિયાન તેમના વીડિયો વાઇરલ થતાં તેઓની હાલત કફોડી બની છે. છેલ્લા 4 દિવસથી ડિમોલિશન પ્રતિક્રિયા દરમિયાન સેન્ટ્રલ ઝોન અને મહાનગર પાલિકાનો બચાવ કરવા છતાં બિલ્ડરનાં કથિત લાભ માટે જ આખો કારસો રચાયો હોવાની આશંકાએ જોર પકડ્યું છે. રામજીવાલા હવે રજા ઉપર ઉતરી જવાથી અનેક શંકાઓ અને સવાલો ઊભા થયા છે. સવાલ:6 મકાનો તોડાયાં તે જ દિવસે દોઢ વર્ષથી ચાલતા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ કેમ આપી?
નાસીરનગરમાં કાચાં-પાકાં 100 મકાનોનાં ડિમોલિશન મુદ્દે પાલિકા જવાબદારી લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે, ત્યારે બીજી તરફ તેની બાજુમાં જ ચાલી રહેલા મસમોટા ગેરકાયદે બાંધકામને બચાવવા તંત્રએ આકાશ-પાતાળ એક કર્યા છે. ખાનગી જમીનમાં રસ્તાના બહાને ગરીબોનાં મકાનો તોડાયાં તે જ દિવસે દોઢ વર્ષથી ચાલતા આ મસમોટા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ અપાઈ હતી. ‘બેઝમેન્ટમાં માટી પુરાણ કરવા નોટિસ’
સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે કે, વેડ દરવાજા વિસ્તારના વોર્ડ નં. 7, નોંધ નં. 1267, 1267/3, 1268વાળી મિલકતના માલિકો/વારસદારો બાઈ જાઈજી નવરોજી ખરશેદજી પાલીયા અને અન્ય દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના સ્થળ પર ગેરકાયદેસર રીતે બાંધકામ અને પાયા/બેઝમેન્ટનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી આગામી ચોમાસાની ઋતુ દરમિયાન આ ખુલ્લા ખોદાયેલા ભાગમાં પાણી ભરાવાને કારણે રોગચાળો ફેલાવવાનો અથવા આસપાસની જમીન ધસી પડવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુસર તંત્ર દ્વારા આ નોટિસ આપીને તાકીદ કરવામાં આવી છે કે, આ બેઝમેન્ટ/પાયાના ખોદાણમાં તાત્કાલિક માટી પુરાણ કરી જમીન લેવલે લાવી દેવી, અને જો તેમ કરવામાં ચૂક થશે તો તેના કારણે ઉપસ્થિત થનારી તમામ પરિસ્થિતિ તેમજ આજુબાજુની મિલકતોને થનારા જાનમાલના નુકસાનની સંપૂર્ણ જવાબદારી મિલકતધારકોની રહેશે. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે આ બાંધકામ માટેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી આમ છતાં આ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. સવાલ:7 ડિમોલિશન કરવા JCB ભાડે લાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત કેમ ભૂગર્ભમાં?
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિમોલિશનની સાઇટ પર હાજર રહેલા ભારે મશીનોના માલિક મોસીન ફ્રુટવાલાની પૂછપરછ કરવામાં આવી. મોસીન ફ્રુટવાલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ આખા પ્રકરણનો સૌથી મોટો કડીરૂપ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તો મશીનો ભાડે આપવાનો પ્રોફેશનલ વ્યવસાય કરીએ છીએ. અમારી પાસે આ મશીનો સુરત મહાનગરપાલિકાના જ જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે ભાડે માંગ્યા હતા. કોન્ટ્રાક્ટરે મશીન મંગાવ્યા હોવાથી અમને કોઈ શંકા ગઈ નહોતી. મોસીનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ કાંડમાં પાલિકા સાથે સંકળાયેલી વ્યક્તિ જ સીધી રીતે સામેલ છે. આ સમગ્ર કૌભાંડની મુખ્ય કડી હવે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત તરફ લંબાઈ હતી. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા જ્યારે આ અંગે તેજુ રાજપૂતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમની ભૂમિકા વધુ શંકાસ્પદ જણાતી હતી. પ્રથમ વખત ફોન ઉપાડીને તેમણે માત્ર એટલું જ કહ્યું કે, હું અત્યારે હોસ્પિટલમાં છું, પછી ફોન કરો. આટલી વાત કર્યા બાદ તેમણે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી મીડિયા અને અન્ય લોકો દ્વારા વારંવાર પ્રયાસો કરવા છતાં તેજુ રાજપૂતે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું છે અને હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સવાલ:8 બિલ્ડરના માણસો રહીશોને જગ્યા ખાલી કરાવી દેવાની ધાક-ધમકી કેમ આપતા હતા?
નાસીરનગરના રહીવાસીઓને પોતાના વર્ષો જૂના આશિયાના પર બુલડોઝર ફરી વળશે તેવી આશંકા અને ગંધ અગાઉથી જ આવી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ખાનગી બિલ્ડરના માણસો અવારનવાર આ વિસ્તારમાં આવીને ધાક-ધમકી આપતા હતા અને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને જગ્યા ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. બિલ્ડરના માણસો કહેતા હતા કે જો તમે જાતે મકાનો ખાલી નહીં કરો, તો જેસીબી અને બુલડોઝર લાવીને તમારા મકાનો તોડી પાડવામાં આવશે. સ્થાનિકોએ ડિમોલિશન મુદ્દે અરજી આપી તો પણ કેમ નિરાકરણ આવ્યું નહી?
આ ભયના માહોલ વચ્ચે પોતાના હક્ક અને ન્યાય માટે નાસીરનગરના રહીશોએ સંગઠિત થઈને ગત 15 ઓક્ટોબર, 2025એ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, સુરત શહેરના પોલીસ કમિશનર, નોર્થ (કતારગામ) ઝોનના ઝોનલ અધિકારી તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિતમાં સંયુક્ત અરજી આપી હતી. આ અરજી પર મ્યુનિસિપલ કમિશનર કચેરી તેમજ કતારગામ ઝોનની ડીસ્પેચ શાખાના સિક્કા અને 15 ઓક્ટોબર, 2025ની તારીખ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે સાબિત કરે છે કે વહીવટી તંત્ર આ ગંભીર પરિસ્થિતિથી સંપૂર્ણ માહિતગાર હતું તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નહોતું. સવાલ:9 શું આ બિલ્ડર કોઈ રાજકીય પીઠબળ ધરાવે છે?
વિવાદિત જમીનને અડીને જ આવેલી જમીન પર દોઢ વર્ષથી કોઈપણ મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ ધમધમી રહ્યું છે. આ માટે એક પણ મંજૂરી લેવામાં આવી નથી છતાં તેને નોટિસ પણ માત્ર ખોદાણ પૂરવા માટેની આપવામાં આવી છે. વિવાદોની વચ્ચે હવે આ વિવાદિત જમીનનો સિટી સર્વેયર રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ચર્ચાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ રિપોર્ટ અનુસાર, જમીનનો કેટલોક હિસ્સો સુરત મહાનગરપાલિકાનો છે, જ્યારે મોટો ભાગ પારસી સમાજનો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. આ જમીનની બિલકુલ પાછળ એક મેગા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે સૌરાષ્ટ્રના એક જાણીતા બિલ્ડર દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ જમીનમાંથી કેટલોક ભાગ પારસી સમાજની બિલ્ડરોએ તે ખરીદી લીધી હોવાની વિગતો મળી રહી છે, જેમાં કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટર દ્વારા બુકિંગની કામગીરી સંભાળવામાં આવી રહી હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. નજીકમાં ગેસ એજન્સીની પણ જમીન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આટલો મોટો પ્રીમિયમ પ્રોજેક્ટ હોવાના કારણે બિલ્ડરોને એવો ડર સતાવી રહ્યો હતો કે આજુબાજુમાં સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર હોવાને કારણે કોઈ ગ્રાહકો અહીં ખરીદી નહીં કરે. આ જ ડરના કારણે બિલ્ડરો દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આ વિવાદિત સ્થળથી માત્ર 500 મીટરના અંતરે એક ગેસ એજન્સીની કરોડોની કિંમતની મોટી જમીન પણ આવેલી છે. આ જમીન સાથે સુરતના એક જાણીતા ગ્રુપના પાર્ટનરનો પરિવાર સીધી રીતે જોડાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સૌરાષ્ટ્રવાસી બિલ્ડરોના ઈશારે ડિમોલિશનની ચર્ચા
સ્થાનિકો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે, સૌરાષ્ટ્રવાસી બિલ્ડરોના ઈશારે જ સુરત મહાનગરપાલિકા અને એસઓજીએ સાથે મળીને આ આખી રમત રમી છે. સ્થાનિકોનું માનવું છે કે બિલ્ડરોના આર્થિક લાભ માટે જ લાઈન દોરીનું બહાનુ ધરીને રસ્તાનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું, કારણ કે તંત્ર દ્વારા રહેવાસીઓને ઘર ખાલી કરવા માટે એક પણ કાયદેસરની નોટિસ આપવામાં આવી નહોતી. રાંદેરમાં પણ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો
બિલ્ડરો અને સત્તાધીશોની આ મિલિભગત સામે માત્ર નાસીરનગરમાં જ નહીં, પરંતુ રાંદેર વિસ્તારમાં પણ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રાંદેર ખાતે આવેલા અશાંતધારા વિસ્તારમાં એક મોટા પ્રોજેક્ટને લઈને જે એજન્સીની જમીન આવેલી છે, તેના ભાગીદાર સામે સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો બેઘર બન્યા છે અને બીજી તરફ મોટા ગજાના બિલ્ડરોને ફાયદો કરાવવા સરકારી તંત્ર કઠપૂતળી બન્યું હોવાના આક્ષેપોથી સુરતનું રાજકારણ ગરમાયું છે. સવાલ:10 ડિમોલિશનને 10થી વધુ દિવસ થયા છતાં જવાબદારી કોની તે હજુ સુધી નક્કી નથી થયું?
સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી ડિમોલિશનની કાર્યવાહી થઈ ગઈ. 100થી વધુ પરિવારો બેઘર થઈ ગયા તેમ છતાં આ મામલે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. SMC, SOGના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી. સાથે જ કોઈ રાજ્ય સરકાર કે કોઈ મંત્રી પણ આ બાબતે કંઈ ખુલીને બોલવા તૈયાર નથી. નાસીરનગરમાં ડિમોલિશન માટેની આ આખી પ્રક્રિયાનો જ છેદ ઉડાવી દેવાયો
​કલમ 210(1)(a)-લાઇનદોરી નક્કી કરવાની સત્તા: મ્યુનિ. કમિશનરને લાઇનદોરી નક્કી કરવાનો અધિકાર આપે છે.
​કલમ 210(1)(b) – વાંધા-સૂચનો મંગાવવા: રોડની લાઇનમાં ફેરફાર પહેલાં પાલિકાએ ફરજિયાત જાહેરનામું બહાર પાડીને લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવાના રહે છે.
​કલમ 212, 213 – દબાણ હટાવવા નોટિસ: નક્કી ‘રેગ્યુલર લાઇન’માં દબાણો તોડવા અસરગ્રસ્તોને નોટિસ ફટકારાય છે.
​કલમ 216 – અસરગ્રસ્તોને વળતર: રસ્તા પહોળા કરવા જેમની જમીન-મિલકત કપાતમાં જાય છે તેમને યોગ્ય વળતર (Compensation) ચૂકવવાની સ્પષ્ટ જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. નાસીરનગરની બાજુમાં આકાર લેતા ₹30 કરોડના ખાનગી પ્રોજેક્ટ સાથે શું છે કનેક્શન?
સુરતના કતારગામ-વેડ રોડ પર આવેલા નાસીકનગરમાં તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કડક કાર્યવાહી પાછળ માત્ર વહીવટી પ્રક્રિયા જ નહીં, પરંતુ એક મોટું આર્થિક અને બિલ્ડર લોબીનું હિત છુપાયેલું હોવાના ચોંકાવનારા સંકેતો મળી રહ્યા છે. આધારભૂત દસ્તાવેજો અને ગુજરેરાના સત્તાવાર રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરતા સામે આવ્યું છે કે, જે જગ્યા પર વર્ષો જૂના ગરીબોના આશિયાના તોડી પાડવામાં આવ્યા, તેની બિલકુલ બાજુમાં જ અંદાજે ₹30.58 કરોડ ( ₹30,58,30,855) ના માતબર ખર્ચે એક મોટો ખાનગી આવાસ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે, જેનું નામ ‘પાલિયા લાઇફસ્ટાઇલ 1’ છે. નાસીકનગરમાં થયેલા આ ડિમોલિશન અને બાજુમાં બની રહેલા પ્રોજેક્ટના ટાઈમિંગને લઈને હવે સ્થાનિક સ્તરે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ‘273 રેસિડેન્શિયલ યુનિટ્સ ધરાવતો ‘E’ બ્લોક બની રહ્યો છે’
વેડ દરવાજા અને ચંદ્રશેખર આઝાદ બ્રિજની બિલકુલ નજીક વોર્ડ નંબર 7માં આવેલી આ કિંમતી જમીન પર ભાગીદારી પેઢી ‘સેતુબંધ ઇન્ફ્રા’ દ્વારા 273 રેસિડેન્શિયલ યુનિટ્સ ધરાવતો એક મોટો બ્લોક ‘E’ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ સત્તાવાર રીતે 24 ડિસેમ્બર 2025ના રોજ શરૂ થયો છે. ‘બિલ્ડરનું હિત સાધવા SMCએ રાતોરાત ડિમોલિશનની સ્ક્રિપ્ટ તૈયાર કરી’
આક્ષેપો થઈ રહ્યા છે કે નાસીકનગરના જે ઘરો પર બુલડોઝર ફેરવી દેવાયું, તે આ નવપલ્લવિત પ્રોજેક્ટના મુખ્ય રસ્તા અથવા લોકેશનની કનેક્ટિવિટીમાં અવરોધરૂપ બનતા હતા. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટને આસપાસથી એકદમ ખુલ્લો અને આકર્ષક લુક આપવા તેમજ બિલ્ડરના આર્થિક હિતો સાધવા માટે જ SMCએ રાતોરાત આ ડિમોલિશનની સ્ક્રિપ્ટ તૈયાર કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શૈલેષ મનજીભાઈ કાછડીયા અને સંજયભાઈ જી. લાખાણી પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારો
આ ઇન્વેસ્ટિગેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આટલા મોટા પ્રોજેક્ટ માટે ડેવલપર્સ દ્વારા કોઈ પણ બેંક પાસેથી લોન લેવામાં આવી નથી (0% Loan Liability). પ્રોજેક્ટના દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે ₹30.58 કરોડનું આ આખું સામ્રાજ્ય બિલ્ડર્સ પોતાની મૂડી અથવા આંતરિક નાણાકીય સોર્સથી ઊભું કરી રહ્યા છે. જ્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં આટલું મોટું રોકાણ લોન વગર થતું હોય, ત્યારે તંત્ર પર દબાણ લાવીને આસપાસની જમીનો ખાલી કરાવવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. આ પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારોમાં શૈલેષ મનજીભાઈ કાછડીયા અને સંજયભાઈ જી. લાખાણીના નામો ચર્ચામાં છે. નાસીકનગર ડિમોલિશન પાછળ કનેક્શન?
પાલિયા લાઇફસ્ટાઇલ 1ના પ્લાનિંગ પર નજર કરીએ તો, તેનો કવર્ડ એરિયા (બાંધકામ હેઠળની જગ્યા) માત્ર 1745.64 ચોરસ મીટર છે, જ્યારે તેનો ઓપન એરિયા (ખુલ્લી જગ્યા) 3796.59 ચોરસ મીટર જેટલો વિશાળ રાખવામાં આવ્યો છે. આટલી કિંમતી જમીન પર આટલો મોટો ઓપન સ્પેસ રાખવા પાછળનો હેતુ પ્રોજેક્ટને લક્ઝુરિયસ લુક આપવાનો છે. પરંતુ, સવાલ એ થાય છે કે બાજુમાં આવેલી નાસીરનગરની જમીન પણ ભવિષ્યમાં આ પ્રોજેક્ટના ફેઝ-2 કે અન્ય કોમર્શિયલ ઉપયોગ માટે ખુલ્લી કરાવવામાં આવી છે કે કેમ? તે તપાસનો વિષય છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!