પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઝઝામ અને ફાંગલી ગામ વચ્ચે પાણીના પ્રચંડ વહેણમાં એક કાર ફસાઈ જતાં તેમાં સવાર 8 લોકો જીવના જોખમે મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસ અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

માહિતી મુજબ, ખાવડાથી બાડમેર તરફ જઈ રહેલી કાર ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન સાંતલપુર વિસ્તારમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતાં અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂચના મળતા જ સાંતલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસે ફાંગલી ગામના યુવાનોની મદદથી સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા તમામ 8 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બચાવ બાદ તમામ મુસાફરોને ફાંગલી પ્રાથમિક શાળામાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યાં તેમના માટે રાત્રિ રોકાણ તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર બચાવ કામગીરીમાં સ્થાનિક ગ્રામજનોએ આપેલા સહકારને સાંતલપુર પોલીસે બિરદાવ્યો હતો.

ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નદી-નાળા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા તેમજ જરૂરી સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!