પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતાં ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.

ગામમાં પાણી ભરાવાના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક માર્ગો પર પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોકાવાડા તાલુકા પંચાયતના સદસ્ય જીવણભાઈ આહીર JCB તથા અન્ય વાહનો સાથે તાત્કાલિક બરારા ગામ પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક લોકોની સુરક્ષા અને જરૂરી સ્થળોએ પહોંચાડવા માટે રાહત કામગીરી હાથ ધરી હતી.
ભારે વરસાદને પગલે બરારા–દાત્રાણા માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે બંને ગામ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સ્થાનિકોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ઝડપી રાહત અને બચાવ કામગીરી કરવાની માંગ ઉઠાવી છે.
હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
