૬ કિ.મી.ના નવા રોડની કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસની માંગ, જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત

ખડીર વિસ્તારના બાભણકા ગામથી ગણેશપરને જોડતા આશરે ૬ કિલોમીટર લાંબા નવા ડામર રોડની કામગીરીને લઈને વિવાદ વકર્યો છે. રોડનું કામ પૂર્ણ થયાના થોડા જ સમય બાદ રસ્તો અનેક સ્થળોએ ખરાબ થવા લાગ્યો હોવાના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર કામગીરીની ગુણવત્તાની તપાસની માંગ ઉઠી છે.

ભચાઉ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનજીભાઈ આર. રાઠોડે આ મામલે પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેમણે રોડની કામગીરીમાં જરૂરી ગુણવત્તાના ધોરણો જળવાયા છે કે નહીં તેની ટેકનિકલ તપાસ કરાવવા માંગ કરી છે.

રજુઆત મુજબ, રોડ બન્યા બાદ થોડા જ સમયમાં અનેક સ્થળોએ રસ્તાની સપાટી ખરાબ થઈ ગઈ હતી. ચોમાસા દરમિયાન પડેલા વરસાદથી રસ્તાને નુકસાન થતાં રોડના બાંધકામમાં વપરાયેલા ડામર અને અન્ય મટિરિયલની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે.

વિપક્ષી નેતાએ માત્ર બાભણકા-ગણેશપર રોડ જ નહીં પરંતુ ભચાઉ તાલુકાના અન્ય વિસ્તારોમાં થયેલી માર્ગ કામગીરીની પણ તપાસ કરવાની માંગ કરી છે. કંથકોટ-કકરવા, ભરુડીયા-કુડા, નવી મોટી ચીરઈ-લુણવા તથા ચોપડવા વિસ્તારના રસ્તાઓ અંગે પણ સ્થાનિક સ્તરે ગુણવત્તા બાબતે પ્રશ્નો ઉઠી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સરકારી વિકાસકામોમાં જાહેર નાણાંનો ઉપયોગ થતો હોવાથી કામગીરીમાં બેદરકારી કે હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોય તો તેની જવાબદારી નક્કી કરવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ માટે નિષ્પક્ષ અધિકારીઓની ટીમ બનાવી સ્થળ પર તપાસ, જરૂરી નમૂનાઓની ચકાસણી તથા કામગીરીના રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તપાસમાં જો ગેરરીતિ કે નિયમભંગ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અથવા એજન્સી સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા તથા જરૂરી હોય તો બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે જ બાભણકા-ગણેશપર રોડનું કામ ગુણવત્તાના માપદંડો મુજબ ફરી કરાવી માર્ગને ટકાઉ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે કચ્છ કલેક્ટર, ક્વોલિટી કંટ્રોલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય છે કે નહીં અને તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તેના પર સ્થાનિક લોકોની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!