પાંથાવાડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાંતરવાડા નજીક પાંથાવાડા-કુચાવાડા હાઇવે પર આવેલી બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી મંજૂરી વિના જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં ‘દસ્તક ડ્રોપ ઇન ફ્યુઅલ’ નામે પંપનું સેટઅપ શોધી કાઢ્યું હતું. પંપની પાછળ આવેલી ભૂગર્ભ ટાંકીમાંથી આશરે 200 લીટર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. પોલીસે તેના નમૂના લઈ વધુ તપાસ માટે મોકલ્યા હતા.

દરોડા દરમિયાન GJ-03-BZ-5854 નંબરનું ટેન્કર પણ સ્થળ પરથી મળી આવ્યું હતું. ટેન્કરની બિલ્ટી મુજબ તેમાં આશરે 20 હજાર કિલોગ્રામ જ્વલનશીલ પદાર્થ ભરેલો હોવાનું તપાસમાં નોંધાયું હતું.

સમગ્ર કાર્યવાહીમાં પોલીસે જ્વલનશીલ પદાર્થ ઉપરાંત ટેન્કર, પંપ સેટઅપ તથા અન્ય સાધનો મળી કુલ રૂ.28.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં પંપ સંચાલક પાસે જ્વલનશીલ પદાર્થના સંગ્રહ અને વેચાણ માટે જરૂરી લાયસન્સ, સ્ટોરેજ પરમિશન, NOC તેમજ સલામતીના સાધનો અંગેની જરૂરી મંજૂરીઓ ન હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે પોલીસે પંપ સંચાલક ગણપતસિંહ જયસિંહ રાજપુત દેવડા તથા ટેન્કર ચાલક અર્ષિતગીરી રામગીરી ગોસ્વામી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ દ્વારા હવે આ જ્વલનશીલ પદાર્થનો સ્ત્રોત, સંગ્રહ પાછળનો હેતુ અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!