પાટણ જિલ્લામાં ૧૧૬ નિરક્ષર વ્યક્તિઓને મળ્યું સાક્ષરતાનું નવું અજવાળું

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો મુખ્ય હેતુ “જન-જન સાક્ષર” ના ધ્યેયને સાકાર કરવાનો છે. ખાસ કરીને ૧૫ વર્ષ કે તેથી વધુ વયના નિરક્ષર વ્યક્તિઓને વાંચન-લેખન સહિતની મૂળભૂત સાક્ષરતા પ્રદાન કરવા પર કાર્યક્રમ હેઠળ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પાટણ જિલ્લામાં હાથ ધરાયેલા સર્વે દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧૧૬ નિરક્ષર વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓને સાક્ષર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વ્યક્તિઓને મૂળભૂત વાંચન અને લેખનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી છે.
કાર્યક્રમ અંતર્ગત સાક્ષર થયેલા લાભાર્થીઓની આગામી તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠક દરમિયાન પાટણ જિલ્લામાં સર્વે દ્વારા નિરક્ષર વ્યક્તિઓની ઓળખ, તેમને સાક્ષર બનાવવાની કામગીરી તેમજ આગામી પરીક્ષાના આયોજન સહિતની વિવિધ બાબતોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી ડૉ .મેહુલ બરાસરા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ કિરણભાઈ કે રાવળ રાધનપુર
