વિકાસ કામોની સ્થળ ચકાસણી થાય છે કે માત્ર કાગળ પર જ મંજૂરી? કોન્ટ્રાક્ટરો સાથે કથિત સાંઠગાંઠના આક્ષેપોની તટસ્થ તપાસની માંગ
રાધનપુર તાલુકા પંચાયતના અલગ-અલગ ત્રણ વિભાગમાં ફરજ બજાવતા સહાયક ઇજનેરો (એસો)ની કામગીરીને લઈને સ્થાનિક સ્તરે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાળા, સીસી રોડ સહિતના વિવિધ વિકાસ કામોની ગુણવત્તા અને સ્થળ નિરીક્ષણ અંગે પ્રશ્નો ઉભા થયા છે.
સરકારી નાણાંમાંથી લાખો-કરોડો રૂપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવતા હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કામની સ્થળ પર જઈને યોગ્ય ચકાસણી, માપણી અને ગુણવત્તા નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિક સ્તરે કેટલાક આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા કામમાં ગુણવત્તાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પૂરતી તપાસ કર્યા વિના મંજૂરી આપવામાં આવે છે. કેટલાક લોકો દ્વારા કોન્ટ્રાક્ટરો સાથે કથિત સાંઠગાંઠ અને ‘ટકાવારી’ના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. અને સમગ્ર મામલે તટસ્થ તપાસ બાદ જ હકીકત બહાર આવી શકે તેમ છે.
જો વિકાસ કામોની યોગ્ય સ્થળ તપાસ વિના મંજૂરી આપવામાં આવતી હોવાના આક્ષેપોમાં તથ્ય હોય તો સરકારી નાણાંના વપરાશ સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નબળી ગુણવત્તાના કામો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
કયા કામોની તપાસ થઈ? વિગતો જાહેર કરવાની માંગ
સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રાધનપુર તાલુકા પંચાયતના ત્રણેય વિભાગના એસોએ છેલ્લા સમયગાળા દરમિયાન કયા-કયા વિકાસ કામોની સ્થળ મુલાકાત લીધી, કેટલા કામોની ગુણવત્તા ચકાસી, કેટલી માપણી કરી અને કયા કામોને મંજૂરી આપવામાં આવી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.
સાથે જ ‘ટકાવારી’ના આક્ષેપોમાં કેટલી હકીકત છે તે જાણવા જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને તાલુકા પંચાયત હસ્તકના વિકાસ કામોનું સ્થળ પર જઈને ગુણવત્તા નિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલા ગંભીરતાથી લે છે અને ત્રણેય વિભાગના એસોની કામગીરીનું ઉચ્ચ કક્ષાએ ઓડિટ અથવા તપાસ ક્યારે કરવામાં આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

