હલકી ગુણવત્તાના કામનો નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ; મટિરિયલ ટેસ્ટિંગ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામ અટકાવવાની માંગ
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
રાધનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૧માં ચાલી રહેલા સીસી રોડના રિસર્ફેસિંગ કામને લઈને વિવાદ ઊભો થયો છે. કામમાં ગુણવત્તા જાળવવામાં આવી રહી નથી અને પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી એવા ગંભીર આક્ષેપો વોર્ડ નં. ૧ના સ્થાનિક નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે.
જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ, રોડના રિસર્ફેસિંગ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સિમેન્ટ, રેતી અને કપચી સહિતના મટિરિયલનું યોગ્ય પ્રમાણ તથા ગુણવત્તા જાળવવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર કામ આગળ ધપાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના શબ્દોમાં, “લોટપાણી ને લાકડાં” જેવું કામ કરી માત્ર ચોપડપટ્ટી કરીને કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે રોડની ટકાઉપણાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
અધિકારીઓની સ્થળ તપાસ અંગે પણ સવાલ
નગરસેવકના જણાવ્યા મુજબ, કામની ગુણવત્તા અંગે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. કામની સ્થળ તપાસ અને વપરાતી સામગ્રીની ગુણવત્તાની ચકાસણી માટે જવાબદાર તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં તે મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા છે.
GERIના ટેસ્ટિંગ રિપોર્ટની માંગ
જયાબેન ઠાકોરે સીસી રોડના કામમાં વપરાયેલા મટિરિયલની મજબૂતાઈ અને ગુણવત્તા અંગે GERI (Gujarat Engineering Research Institute) દ્વારા લેબોરેટરી ટેસ્ટિંગ કરાવી તેનો રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે મટિરિયલની ગુણવત્તા અને મજબૂતાઈ અંગેનો ટેસ્ટિંગ રિપોર્ટ ન મળે ત્યાં સુધી સંબંધિત કામ આગળ ન વધારવું જોઈએ.
તેમના જણાવ્યા મુજબ, જો ટેસ્ટિંગ અને ગુણવત્તા ચકાસણી વિના કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવશે તો તેની જવાબદારી સંબંધિત ચીફ ઓફિસર, એન્જિનિયર, પાલિકા પ્રમુખ સહિત જવાબદાર અધિકારીઓની રહેશે, અને જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ત્રણ મુખ્ય માંગણીઓ
નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા તંત્ર સમક્ષ મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી છે:
સીસી રોડનું કામ તાત્કાલિક રોકી વપરાયેલી સામગ્રીનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવામાં આવે.
કામમાં ગેરરીતિ કે ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. ગુણવત્તા અને મજબૂતાઈ અંગે જરૂરી ચકાસણી તથા ટેસ્ટિંગ રિપોર્ટ બાદ જ કામ આગળ ધપાવવામાં આવે.
કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
જયાબેન ઠાકોરે જણાવ્યું કે, પ્રજાના નાણાંથી થતા વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં. સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પ્રજાને સાથે રાખીને નગરપાલિકા સામે મોરચો માંડવાની ચીમકી આપવામાં આવી છે.
હવે વોર્ડ નં. ૧ના સીસી રોડના રિસર્ફેસિંગ કામમાં વપરાયેલા મટિરિયલની ખરેખર ગુણવત્તા શું છે અને GERI સહિતની નિષ્ણાત તપાસમાં શું પરિણામ આવે છે તેના પર સ્થાનિકો સહિત સૌની નજર મંડાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

