બાળકોની વિવિધ કૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું, આંગણવાડી કાર્યકરો-તેડાગર અને આશા વર્કર બહેનોનું સન્માન
![]()
![]()
![]()
![]()
પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રાજ્યની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આંગણ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાની ચંદુર ગામની આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ સહિત ગામના લોકોની ઉપસ્થિતિમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન (THR), પોષણ કીટ, સુખડી તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકોને સંતુલિત આહાર, પોષણ અને સ્વચ્છતાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી.
આંગણ ઉત્સવને વધુ રસપ્રદ અને આનંદદાયક બનાવવા માટે આંગણવાડીના ભૂલકાઓ દ્વારા બાળગીત, બાળવાર્તા, ચિત્રકામ, વિવિધ રમતો તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોની વિવિધ રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માતાઓ અને કિશોરીઓને પણ આરોગ્ય અને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં પોષણની ભૂમિકા અંગે સમજણ આપવામાં આવી હતી. કુપોષણ નિવારણ માટે ઉપલબ્ધ પોષણલક્ષી સેવાઓનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ICDS વિભાગ સમી તરફથી સુપરવાઇઝર ચંદ્રિકાબેન તથા ઉમિયાબેન ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગામના સરપંચ, ડેલિકેટ, ગ્રામજનો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા આશા વર્કર બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નાની ચંદુર ખાતે યોજાયેલા આંગણ ઉત્સવ દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાથે માતાઓ અને ગ્રામજનોમાં પોષણ તથા આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

