રાપરમાં ગંદકી અને પ્લાસ્ટિકના નિયમોના ઉલ્લંઘન સામે નગરપાલિકાની અવિરત કાર્યવાહી

કચ્છ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવા અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા અસરકારક અમલવારી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંદિપસિંહ ઝાલા અને નગરપાલિકા ટીમ, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

રાપર નગરપાલિકા દ્વારા વારંવારની સૂચનાઓ છતાં નિયમોનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તેમજ જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ, ફેરિયાઓ અને શાકભાજીના વિક્રેતાઓ સામે નિયમાનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત આજરોજ રાપરના ‘ન્યૂ રવેચી કેટરર્સ’ દ્વારા સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવામાં આવતા નગરપાલિકા દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા.

નગરપાલિકા ઓફિસ દ્વારા ન્યૂ રવેચી કેટરર્સના માલિક શ્રી દિનેશભાઈને કચેરીએ રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. કેટરર્સ દ્વારા ફેંકેલો કચરો તેમના જ સ્ટાફ પાસે સાફ કરાવીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સાથે જ નિયમભંગ બદલ તેમની પાસેથી રૂ. ૫૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા તેમને ભવિષ્યમાં આ પ્રકારની ગંદકી ન કરવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે સ્પષ્ટ અને કડક તાકીદ કરવામાં આવી છે. રાપર નગરપાલિકાની આ કામગીરી થકી શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!