રાપરમાં બે નામજોગ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો; કડા અને લાકડીથી માર માર્યાનો આક્ષેપ

કચ્છના રાપર તાલુકાના ફતેહગઢ ગામમાં દૂધના ભાવને લઈને થયેલા વિવાદમાં એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ગામમાં ઓછા ભાવે દૂધ વેચવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ યુવકને કડા, લાકડી અને ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે રાપર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દૂધના ભાવને લઈને શરૂ થયો વિવાદ

મળતી માહિતી મુજબ, ફતેહગઢ ગામે ખેતીકામ કરતા ૨૫ વર્ષીય અરવિંદભાઈ નારણભાઈ કોલી ગત ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે પોતાના મામા મુકેશભાઈ સાથે મોટરસાયકલ પર દૂધ ભરાવીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચાયણા માતાજીના મંદિર નજીક કેટલાક શખ્સોએ તેમની મોટરસાયકલ અટકાવી હતી.

ફરિયાદ પ્રમાણે, ગામમાં ઓછા ભાવે દૂધ આપીને ભાવ બગાડતા હોવાના મુદ્દે અરવિંદભાઈ સાથે બોલાચાલી કરવામાં આવી હતી. આ તકરાર દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને યુવક પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે.

કડાથી હુમલો કરી લાકડી વડે માર માર્યાનો આક્ષેપ

અરવિંદભાઈની ફરિયાદ અનુસાર, વિસાભાઈ ધારાભાઈ રબારીએ હાથમાં પહેરેલા કડાથી તેમના માથાના ડાબા ભાગે હુમલો કર્યો હતો. જ્યારે ગોવાભાઈ છોટાભાઈ રબારીએ કાનના ભાગે કડું માર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક નીચે પડી જતાં તેને લાકડી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

યુવકને બચાવવા માટે તેમના મામા મુકેશભાઈ વચ્ચે પડ્યા ત્યારે ત્રીજા અજાણ્યા શખ્સે તેમને પકડી રાખ્યા હોવાનો આક્ષેપ છે. ઘટનાસ્થળે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા. ત્યારબાદ હુમલામાં સંડોવાયેલા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

108 દ્વારા હોસ્પિટલ પહોંચાડાયા

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અરવિંદભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે રાપરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ રજા મળતાં તેમણે રાપર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે રાપર પોલીસે ગોવાભાઈ છોટાભાઈ રબારી, વિસાભાઈ ધારાભાઈ રબારી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દૂધના ભાવ જેવા સ્થાનિક વ્યવસાય સંબંધિત મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!