મહેસાણા જિલ્લામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજી હવે નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરનાર શહેરોની યાદીમાં જોડાઈ ગયું છે.

રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરના રોજ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ મારફતે જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર બહુચરાજીની ગ્રામ પંચાયત સત્તાવાર રીતે નગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવી છે.

યોગાનુયોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આ નિર્ણય જાહેર થતાં બહુચરાજી વાસીઓ માટે આ ખુશીની ભેટ બની છે.

સ્થાનિક નાગરિકોએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો હતો.

તેઓનું માનવું છે કે હવે શહેરના સર્વાંગી વિકાસ માટે નવા માર્ગ ખુલશે.

બહુચરાજી ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે ગુજરાતનું એક મહત્વનું યાત્રાધામ છે.

દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે પહોંચે છે. અત્યાર સુધી ગ્રામ પંચાયત હેઠળ ચાલતા વહીવટને કારણે ઘણા વિકાસ કાર્યો મર્યાદિત સ્તરે થઈ રહ્યા હતા.

પરંતુ હવે નગરપાલિકાના દરજ્જા સાથે આધુનિક નગરીય સુવિધાઓ, સ્વચ્છતા, રસ્તા, સ્ટ્રીટલાઇટ, પાણી પુરવઠો તેમજ પર્યટનને લગતા વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધશે તેવી આશા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બહુચરાજી મંદિર તથા યાત્રાધામનું મહત્વ વધતું જતું હોવાથી નગરપાલિકા બનવાની લાંબા સમયથી માગણી ચાલી રહી હતી.

સરકારના આ નિર્ણયથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

રાજ્ય સરકારના આ પગલાથી બહુચરાજી નાગરિકો વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નગરપાલિકાના દરજ્જાથી ન માત્ર સ્થાનિક લોકોને લાભ મળશે પરંતુ યાત્રાધામ તરીકે બહુચરાજીનું મહત્વ વધુ પ્રગટ થશે.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!