નવલી નવરાત્રિના ચોથા નોરતે એક્ટ્રેસ અને એક્ટરે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા. ગાંધીનગરના સુઘડ ખાતે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ તેમજ તેમની પત્ની પૂજા જોશીએ વ્હાઈટ આઉટફિટમાં લોકોના મનડા મોહી લીધા હતા. તો સુરતમાં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ગરબાની સાથે સાથે સુરતી ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી. આ ઉપરાંત સુરતમા કિંજલ દવે અને અમદાવાદમાં નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીના સૂરે ખેલૈયાઓએ બૂમ પડાવી દીધી હતી. અમદાવાદમાં મહિલા પોલીસે બાઇક પર પેટ્રોલિંગ કર્યું
અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાના મેદાનમાં ઉમટી પડ્યા હતા. ગાંધીનગરના સુઘડ ખાતે યોજાયેલા પ્રીમિયમ ગરબામાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ હાજરી આપીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો, જ્યારે અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ગીત ‘રસિયો રૂપાળો રંગરેલીયો’ પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. આ ઉત્સાહની સાથે, ગરબા સ્થળોની આસપાસ ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. વસ્ત્રાપુર અને શીલજ ખાતે ખેલૈયાઓ નાસ્તો કરવા ઊમટી પડ્યા
ગાંધીનગરના સુઘડ ફાર્મ અને અમદાવાદના ઇસ્કોન બ્રિજ, કર્ણાવતી ક્લબ, અને સરદાર પટેલ રિંગ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પાર્કિંગની અપૂરતી વ્યવસ્થા અને લોકોની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે ખેલૈયાઓ અને વાહનચાલકો અટવાયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદમાં મહિલા પોલીસે બાઇક પર પેટ્રોલિંગ પણ કર્યું હતું, જેથી ગરબાની મજા સુરક્ષિત રીતે માણી શકાય. ગરબા બાદ, વસ્ત્રાપુર તળાવ અને શીલજ સર્કલ જેવા સ્થળો પર ખેલૈયાઓ નાસ્તો કરવા ઊમટી પડ્યા હતા, જ્યાં તેઓ ગરબાનો થાક ઉતારી રહ્યા હતા. કિંજલ દવેની એન્ટ્રીએ ખેલૈયાઓનો જુસ્સો સાતમા આસમાને પહોંચ્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં યોજાયેલી રાજરંગ નવરાત્રિમાં ખ્યાતનામ ગાયિકા કિંજલ દવેની ધૂમધામથી એન્ટ્રીએ ગરબારસિકોનો જુસ્સો સાતમા આસમાને પહોંચાડ્યો. ગરબા ગ્રાઉન્ડ પર જાણે હિલોળે ચડ્યું હોય એવો ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. જોકે, અડાજણ આનંદ મહલ રોડ પર શેરી ગરબાએ પાર્ટી પ્લોટના ગરબાને પણ ટક્કર મારી. બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્નાની ચાહકો સાથે સેલ્ફી
યશવી નવરાત્રિ દ્વારા આયોજિત ગરબામાં બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્નાએ ખેલૈયાઓ સાથે ગરબા રમ્યા અને ચાહકો સાથે સેલ્ફી લઈને માહોલને વધુ રોમાંચક બનાવ્યો. ખેલૈયાઓનો ઉત્સાહ અને બોલિવૂડ સ્ટાઇલ ગરબાની રમઝટે નવરાત્રિની રોનકમાં ચાર ચાંદ લગાવ્યા. VNF ગરબામાં રાષ્ટ્રગીતથી શરૂઆત, ટિકિટ માટે લાઈનો
વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્સ ખેલૈયાઓના ઉત્સાહથી ગુંજી ઉઠ્યા. વિશેષ કરીને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ (VNF) ગરબામાં હજારો ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં રાસની રમઝટ બોલાવી, જ્યારે શેરી ગરબાઓમાં પણ લોકો ઝૂમ્યા. નવલખી ગ્રાઉન્ડ પર આયોજિત VNFની આ નવી આવૃત્તિમાં ગુજરાતની સાંસ્કૃતિક વારસાને વિશ્વમાં પ્રસારિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. VNF ગરબા ગ્રાઉન્ડ પર પહોંચેલા ખેલૈયાઓએ પહેલા રાષ્ટ્રગીત ગાયું અને પછી “કુમકુમ વરસે ચાલો માના મંદિરીયે” જેવા લોકપ્રિય ગરબા પર રમઝટ શરૂ કરી. ટિકિટો માટે લોકોએ લાંબી લાઈનો લગાવી, અને ચેકિંગ પછી જ ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપવામાં આવી. અંદર રમતા ખેલૈયાઓને બહાર જતા પાસ ચેક કરીને જ મોકલવામાં આવ્યા, જેથી બહારના લોકો એન્ટ્રી ન લઈ લે. ગ્રાઉન્ડ બહાર જનરલ સુરક્ષા માટે 112ની વાન પણ મુકાઈ હતી, જે નવરાત્રિની સુરક્ષા વ્યવસ્થાનું પ્રતીક છે. ‘છલડો’, ‘જોબનિયું’, ‘શકીરા’ જેવા ગીતો પર યુવાનોનો થનગનાટ
રાજકોટમાં પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને સૌ કોઈએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા બામ્બુ બીટ્સ નવરાત્રિ મહોત્સવમાં ‘છલડો’, ‘જોબનિયું’, ‘શકીરા’ અને ‘ડીજે બ્રાવો’ જેવા ટ્રેન્ડિંગ ગીતો પર યુવાનોએ થનગનાટ કર્યો હતો, જ્યારે ‘હાલો મારી સહિયરૂ’ જેવા માતાજીના ગીતો પર પણ રાસની જમાવટ જામી હતી. બીજી તરફ, નાનામૌવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં ‘ગૌરાંદે માથે ગરબો ઘૂમે…’ જેવા પ્રાચીન ગીતોની સાથે ‘રંગ ભીની રાધા’ જેવા ભજનો પણ ગવાયા હતા. આયોજકોએ ગરબીમાં ભાગ લેનાર તમામ બાળાઓને સોના-ચાંદીની ભેટ આપીને પ્રોત્સાહિત કરી હતી. ‘ઓપરેશન સિંદૂર’ની પ્રસ્તુતિ સાથે દેશભક્તિ છલકાઈ
શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા પવનપુત્ર ગરબી મંડળમાં બાળાઓએ ‘મોગલ છેડતા કાળો નાગ’ ગીત પર મોગલ માનો ભવ્ય રાસ રજૂ કર્યો હતો. આ ગરબીની સૌથી ખાસ રજૂઆત ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર આધારિત હતી. જેમાં બાળકો ભારતીય સેનાના જવાનોના પોશાકમાં જોવા મળ્યા હતા અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવતા હોય તેવું દ્રશ્ય રજૂ કર્યું હતું. આ થીમ આધારિત પ્રસ્તુતિ જોઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી, જેણે આ નોરતાને વધુ ખાસ બનાવ્યો હતો. અમદાવાદના ગરબાની પળેપળની અપડેટ્સ સુરતના ગરબાની પળેપળની અપડેટ્સ વડોદરાના ગરબાની પળેપળની અપડેટ્સ રાજકોટના ગરબાની પળેપળની અપડેટ્સ પહેલા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ બીજા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ત્રીજા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ચોથા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!