
Hit And Run in Ahmedabad: અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા 45 વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઓઢવ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ દુઃખદ ઘટના રવિવારે રાત્રે આશરે 11:45 વાગ્યે બની હતી. મૃતકની ઓળખ ગોવિંદ પરમાર (ઉંમર 45) તરીકે થઈ છે, જેઓ શૈલેષ પરમાર સાથે ટુ-વ્હીલર પર સવાર હતા. જ્યારે તેઓ ઓઢવ રિંગ રોડ ઇન્ટરસેક્શન બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વાહને પાછળથી તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી.
