સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરાવવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઈશ્વર એ જ બાઈક પર ફરાર થતાં નજરે આવે છે. કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા પતિએ કાયદાનાં પુસ્તકો વાંચ્યાં
પોલીસે આરોપી નિકુંજ ગોસ્વામીને રિમાન્ડ દરમિયાન અડાજણ સ્થિત કવિ કલાપી ગાર્ડનની બાજુમાં આવેલા વિજયાલક્ષ્મી હિલ્સ એપાર્ટમેન્ટમાં તેના ઘરે તપાસ માટે લઈ ગઈ હતી. નિકુંજના પિતાની હાજરીમાં કરાયેલી તપાસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. ઘરમાંથી 36 જીવતી કારતૂસનો જથ્થો મળ્યો હતો. આરોપી નિકુંજ RTO ઇન્સ્પેક્ટર હોવા છતાં તે પોતાની પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા છે. હત્યા બાદ કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય એની પૂર્વતૈયારી તેણે કરી રાખી હતી. પત્નીની કારમાં પતિએ જ GPS ટ્રેકર લગાવ્યું હતું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ નિકુંજે સોનલના દરેક લોકેશન પર નજર રાખવા માટે તેની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું, જે તેણે અડાજણ વિસ્તારમાંથી જ ખરીદ્યું હતું. આ જીપીએસની મદદથી તે સોનલ ક્યાં જઈ રહી છે એની દરેક માહિતી મેળવતો હતો. ઈશ્વરપુરીએ 8મી ઓક્ટોબરે પણ રેકી કરી હતી
હત્યાની કોશિશ માત્ર 6 નવેમ્બરના રોજ જ નહોતી થઈ. સુરત એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં પણ સોનલની હત્યા કરવા માટે રેકી કરવામાં આવી હતી. આરોપી નિકુંજનો મિત્ર અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામી 8 ઓક્ટોબરના રોજ સોનલની ગાડીનો પીછો કરતો અમદાવાદ સુધી ગયો હતો. નિકુંજે આપેલી 160 કિલોમીટર પ્રતિ કિલો રફતારવાળી સ્પોર્ટ્સ બાઇક પર ઈશ્વરપુરીએ લાંબો પીછો કર્યો હતો, પરંતુ એ સમયે યોગ્ય તક ન મળતાં તે ફાયરિંગ કર્યા વિના પાછો ફર્યો હતો. ફાયરિંગ બાદ ફરાર થઈ રહેલા શૂટરના CCTV સામે આવ્યા
6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ કરી ઘટનાસ્થળ પરથી ફરાર થનારો શૂટર ઈશ્વરપુરીનો સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યો છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈશ્વરપુરી એ જ સ્પોર્ટ્સ બાઇક પર ગતિએ ભાગી રહ્યો છે, જે નિકુંજે તેને ખાસ આ ગુના માટે આપી હતી. આ સીસીટીવી ફૂટેજ હવે કેસમાં એક મજબૂત પુરાવો બની ગયો છે. પોલીસે ગુનામાં વપરાયેલી નંબરપ્લેટ વગરની હ્યુન્ડાઈ ઈયોન ફોર-વ્હીલ કાર પણ કબજે લીધી છે, જેનો ઉપયોગ નિકુંજે ઈશ્વરપુરીને રેલવે સ્ટેશન પરથી પિકઅપ કરવા માટે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમે શૂટર ઈશ્વરપુરીને સાથે રાખીને થાણેના માસેઘાટ ખાતે પણ તપાસ કરી હતી, જ્યાં તેણે જનતા બજારમાંથી ગુના માટે એક મોબાઈલ ફોન અને ત્રણ સિમકાર્ડ ખરીદ્યાં હોવાની ખરાઈ કરી હતી. 11 દિવસ બાદ પણ RFO સોનલ બેભાન અવસ્થામાં
આ ગંભીર બનાવને 11 દિવસ વીતી ગયા હોવા છતાં RFO સોનલ સોલંકીની હાલત ગંભીર અને બેભાન અવસ્થામાં છે. 10થી વધુ ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પોલીસે પતિ નિકુંજનો છ મહિના જૂનો હત્યાનો પ્લાન, સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ, અમદાવાદ સુધીની રેકી, જીપીએસ ટ્રેકિંગ અને ઘરમાંથી મળેલી ગોળીઓના જથ્થા જેવા મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે, જે આ કેસને મજબૂત બનાવશે. આ સમાચાર પણ વાંચોઃ
​​​​​​​માથામાં ગોળી લાગ્યાના 11મા દિવસે પણ મહિલા RFO બેભાન સુરત જિલ્લાના કામરેજ નજીક મહિલા RFO સોનલ સોલંકી પર તેમના RTO પતિએ ફાયરિંગ કરાવ્યું હતું. માથામાં ગોળી લાગ્યા બાદ સર્જરી કરી ગોળી તો કાઢી લેવાઈ છે, પરંતુ આજે 11 દિવસ બાદ પણ સોનલબેન ભાનમાં નથી આવ્યાં અને હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. છેલ્લા 11 દિવસથી આઠ ડોક્ટર સહિત 25થી વધુનો સ્ટાફ રાત-દિવસ તેમની કન્ડિશન પર દેખરેખ રાખી રહ્યો છે, જોકે, આ ગોળીના કારણે આંખ, કાન અને મગજમાં ડેમેજ સર્જાયું છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તબીબે જણાવ્યું હતું કે જ્યાં સુધી સોનલબેન ભાનમાં ન આવી જાય ત્યાં સુધી સ્થિતિ અંગે કંઈપણ કહેવું મુશ્કેલ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!