તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. આજે, 11મી ડિસેમ્બર 2025ના રોજ, જૂનાગઢ ખાતે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકોએ ઉપસ્થિત રહીને મામલતદાર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવીને આ ફિલ્મના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અને વાંધાજનક ડાયલોગ દૂર કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આ ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે. ‘મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહીં’ના ડાયલોગને લઈ વિવાદ
બલોચ મકરાણી સમાજ દ્વારા વડાપ્રધાનને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 5મી ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્ત દ્વારા એક ડાયલોગ બોલાય છે: “મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહીં.” સમાજનો આક્ષેપ છે કે આ ડાયલોગથી તેમની સમગ્ર કોમ્યુનિટીનીને માનહાની થઈ છે અને સમાજ દગાખોર, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય તેવું ચિત્રિત કરવામાં આવ્યું છે. આ પણ વાંચો: ‘ધુરંધર’ ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી, જૂનાગઢનો બલોચ સમાજ આકરાપાણીએ માત્ર પૈસા કમાવવાના હેતુથી ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બલોચ કોમ્યુનિટી ઇતિહાસમાં હંમેશા બહાદુર, પ્રામાણિક અને વફાદાર રહી છે. તેમણે મૈસુરના રાજા ટીપુ સુલ્તાન (હૈદરઅલી બલોચ)નું ઉદાહરણ આપીને જણાવ્યું કે, તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પ્રથમ લડાઈ લડનાર હતા. આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં વસતા બલોચ મકરાણી સમાજ આજે પણ પાકિસ્તાન સરકાર સામે સ્વતંત્રતા માટે લડતા બલુચિસ્તાનના બલોચોને પરોક્ષ સમર્થન આપી રહ્યું છે અને હંમેશા ભારત સરકારને વફાદાર રહ્યું છે. તેમ છતાં, ફિલ્મે માત્ર પૈસા કમાવવાના હેતુથી ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ બનાવીને અપમાનિત કરી છે, જે અયોગ્ય છે. આવેદનપત્રની નકલો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ મોકલવામાં આવી છે. ગઈકાલે પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતી
ગઈકાલે જૂનાગઢ બલોચ મકરાણી સમાજ દ્વારા પોલીસ કાર્યવાહીની માગ સાથે અરજી પણ આપવામાં આવી હતી. જૂનાગઢના એડવોકેટ અને બલોચ સમાજના પ્રમુખ એજાઝ મોહમ્મદ હનીફ મકરાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ‘ધુરંધર’ના અભિનેતા સંજય દત્ત, ડાયલોગ રાઇટર અને ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. અભદ્ર ડાયલોગથી બલોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ
પ્રમુખ એજાઝ મકરાણીએ આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મના આ અભદ્ર ડાયલોગથી બલોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે અને આવા ડાયલોગના કારણે અન્ય સમાજો અમારી જ્ઞાતિને શંકાની નજરે જોતા થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આવા અભિનેતાઓ, ડાયરેક્ટરો કે સ્ક્રીપ્ટ બનાવનાર શખસોને રોકવામાં નહીં આવે, તો દરેક સમાજની લાગણી દુભાવવાનું અને અભદ્ર વર્તન ચાલુ જ રહેશે, જેના કારણે સમાજ-સમાજ વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે. નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં જ 25,000થી વધુ બલોચ મકરાણીની વસ્તી છે, અને સમગ્ર ગુજરાતમાં આ સમાજની વસ્તી 8 લાખથી વધુ છે. આ મોટા સમાજ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતોને કારણે હવે ફિલ્મ ઉદ્યોગ અને સેન્સર બોર્ડ દ્વારા કેવા પગલાં લેવાય છે તેના પર સૌની છે. ફિલ્મમાં શું બતાવ્યું છે?
ફિલ્મની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે.
આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે. કોણ છે બલોચ?
બલૂચિસ્તાનના કલાત રજવાડાના છેલ્લા શાસક મીર અહેમદ યાર ખાને તેમના પુસ્તક ‘ઇનસાઇડ બલૂચિસ્તાન’માં લખ્યું છે કે બલોચ પોતાને પયગંબર ઇબ્રાહિમના વંશજ માને છે. તેઓ સિરિયાના વિસ્તારમાં રહેતા હતા. વરસાદના અભાવ અને દુષ્કાળને કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. સિરિયા છોડ્યા પછી આ લોકોએ ઈરાનના પ્રદેશમાં પડાવ નાખ્યો. તત્કાલીન ઈરાની રાજા નુશેરવાનને આ ગમ્યું નહીં અને તેમણે આ લોકોને અહીંથી ભગાડી દીધા. આ પછી આ લોકો એ વિસ્તારમાં પહોંચ્યા, જેનું નામ પાછળથી બલૂચિસ્તાન રાખવામાં આવ્યું. જ્યારે બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા. જ્યારે તેઓ બલૂચિસ્તાન પહોંચ્યા ત્યારે તેમની જગ્યાએ મીર કમ્બર અલી ખાન આવ્યા. આ કુળને પયગંબર ઇબ્રાહિમના નામ પરથી બ્રાહીમી કહેવામાં આવતું હતું, જે પાછળથી બ્રાવી અથવા બ્રોહી બન્યું. બલોચે મુઘલોને હિન્દુ રાજવંશ હટાવવામાં મદદ કરી
બલોચ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. ઘણાં વર્ષો પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાત વિસ્તારમાં સેવા (Sewa) વંશનું શાસન હતું, જેને હિન્દુ રાજવંશ માનવામાં આવે છે. આ રાજવંશના એક પ્રખ્યાત શાસક રાણી સેવી (Rani Sewi) હતાં, જેમના નામ પરથી પાછળથી સિબી પ્રદેશનું નામ પડ્યું. સેવા રાજવંશ મુખ્યત્વે કલાત અને એની આસપાસના વિસ્તારોમાં શાસન કરતો હતો અને એ સમયે આ રાજવંશ હિન્દુ પરંપરાઓનું પાલન કરતો હતો. ભારતના મુઘલ સમ્રાટ અકબરે 1570ના દાયકામાં બલૂચની મદદથી કલાત પર આક્રમણ કર્યું અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું. 17મી સદીના મધ્યમાં મુઘલોનું શાસન નબળું પડવા લાગ્યું અને બલૂચ જાતિઓએ બળવો શરૂ કર્યો. મુઘલોએ 18મી સદી સુધી અહીં શાસન કર્યું, પરંતુ બલૂચો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા. અહીંથી બલોચોએ કલાતમાં પોતાના રાજ્યનો પાયો નાખ્યો અને બલૂચિસ્તાનમાં બલોચોનું શાસન શરૂ થયું. ઇતિહાસકારોના મતે
ઇતિહાસકારો કહે છે કે બલૂચ લોકો સિરિયાના આરબો કરતાં ઈન્ડો-ઈરાનીઓની વધુ નજીક છે. ઈન્ડો-ઈરાની લોકોને આર્ય પણ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં, ઇતિહાસકારો માને છે કે બલોચ પણ આર્ય છે. હજારો વર્ષ પહેલાં આર્યો મધ્ય એશિયામાં રહેતા હતા, પરંતુ ખરાબ વાતાવરણ અને યુદ્ધની સ્થિતિને કારણે તેઓ બીજી જગ્યાની શોધમાં આ સ્થળ છોડીને ગયા. ત્યાંથી નીકળ્યા પછી પહેલા આર્મેનિયા અને અઝરબૈજાન પહોંચ્યા. તેમણે અઝરબૈજાનના બ્લાસગાન પ્રદેશમાં રહેવાનું શરૂ કર્યું. અહીં આર્યોની ભાષા અને બોલીનું મિશ્રણ કરીને એક નવી ભાષા બનાવવામાં આવી, જેને બલશક અથવા બલાશોકી નામ આપવામાં આવ્યું. આર્યો બલાશ તરીકે ઓળખાવા લાગ્યા. ઈસ.550માં અઝરબૈજાન ઈરાનના ખામ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યું. સાસાની સામ્રાજ્યની સ્થાપના 224-651 ઈ.સ.માં થઈ હતી. છઠ્ઠી સદીના અંતમાં અને સાતમી સદીની શરૂઆતમાં, આ પ્રદેશ પર બાહ્ય હુમલાઓ વધ્યા અને હવામાન પણ વધુ ખરાબ થયું, તેથી મધ્ય એશિયાથી અહીં આવેલા આર્યો વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા. કેટલાક લોકો ઈરાનના જાનુબી (દક્ષિણ) બાજુ ગયા અને કેટલાક લોકો ઈરાનના મગરિબ (પશ્ચિમ) બાજુ ગયા. આર્યો જાનુબી તરફ ગયા અને ત્યાંથી આગળ ઈરાનના કમન અને સિસ્તાન પહોંચ્યા. અહીં તેમનું નામ બાલાશથી બદલીને બલૂચ કરવામાં આવ્યું અને બોલીનું નામ બલાશોકીથી બદલીને બલૂચી કરવામાં આવ્યું. ધીમે ધીમે આ બલૂચ લોકો સિસ્તાનથી આગળના વિસ્તારોમાં પ્રવેશ્યા. આ વિસ્તાર પાછળથી બલૂચિસ્તાન તરીકે ઓળખાતો હતો. બલૂચિસ્તાનની ભારત સાથે નિકટતાના આક્ષેપો
ભારત આઝાદ થયું અને તેના બે ભાગલા થયા ત્યારે બલૂચિસ્તાન પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા માગતું હતું, પણ ભૌગોલિક રીતે તે પાકિસ્તાન સાથે સંકળાયેલું હોવાથી તેને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યું હતું. બલૂચિસ્તાનની જે પઠાણ પ્રજા છે તે પાકિસ્તાનના પંજાબી શાસકો કરતાં અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. પઠાણોને લાગે છે કે પાકિસ્તાની સરકાર તેમને કચડી નાંખીને તેમની સંસ્કૃતિ મિટાવી દેવા માગે છે. આ કારણે પરાક્રમી પઠાણ યોદ્ધાઓ દાયકાઓથી પાકિસ્તાનના લશ્કર સામે સશસ્ત્ર જંગ લડી રહ્યા છે. બલૂચિસ્તાનને પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત કરીને સ્વતંત્ર થવા તેમણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી નામના ઉગ્રવાદી સંગઠન પણ છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’ આ સંગઠનને મદદ કરી રહી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!