વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય – ખેડૂત અમરતભાઈ નાઈએ આંદોલનની ચીમકી આપી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ નજીક આવેલી માઇનોર કેનાલમાં વર્ષોથી પડેલા ભંગાણના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેનાલ તૂટી જવાથી પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળી જાય છે, જેના કારણે અનેક ખેતીવાડી જમીનમાં સતત પાણી ભરાઈ રહે છે અને ખેડૂતો માટે પાક ઉગાડવો મુશ્કેલ બન્યો છે.

સ્થાનિક ખેડૂત અમરતભાઈ નાઈએ જણાવ્યું કે ઘણા સમયથી કેનાલમાં પડેલા ભંગાણને કારણે તેમની ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેતરોમાં સતત પાણી ભરાતા જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ આ મુદ્દે નર્મદા વિભાગના અધિકારીઓને ઘણી વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર આવી તપાસ કરી નથી અને કેનાલની મરામત માટે પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો નથી.

અમરતભાઈ નાઈએ આક્ષેપ કર્યો કે વર્ષોથી કેનાલનું ભંગાણ બંધ કરવામાં આવ્યું નથી. જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને વાવેતર બગડી જાય છે. ઉપરાંત ખેડૂતોને થયેલા નુકસાન માટે આજદિન સુધી કોઈ વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે કેનાલની મરામત શરૂ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવા મજબૂર બનશે. ખેડૂતો માટે આ સમસ્યા હવે માત્ર ખેતીનો મુદ્દો નથી પરંતુ તેમના જીવનનિર્વાહનો પ્રશ્ન બની ગયો છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી કેનાલનું ભંગાણ બંધ કરવા અને મરામત કામ શરૂ કરવાની સાથે ખેડૂતોને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!