10 વર્ષથી નર્મદા પાણીથી વંચિત ગ્રામજનોમાં રોષ, માંગણી પૂર્ણ ન થાય તો મતદાનથી દૂર રહેવાનો નિર્ણય

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નજુપુરા ગામ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. ગામના ગ્રામજનો દ્વારા સિંચાઈના પાણીની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવતા તંત્રમાં ચિંતા ફેલાઈ છે.
ગામજનોના જણાવ્યા મુજબ, લગભગ દસ વર્ષ પહેલા નર્મદા વિભાગ દ્વારા ગામમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યારે ખેડૂતોમાં આશા જન્મી હતી કે સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને ખેતીમાં સુધારો થશે. પરંતુ વર્ષો વીતી ગયા છતાં હકીકતમાં પાણી ન મળતા ખેડૂતો નિરાશ બન્યા છે.
હાલમાં ગામની અંદાજે 1000થી વધુ વીઘા જમીન બિનઉપજાઉ બની ગઈ છે. પાણીના અભાવે ખેતી અટકી ગઈ છે અને કેટલાક પરિવારોને ગામ છોડવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. આ ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા નર્મદા વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે અસંતોષ છે.
આ પરિસ્થિતિને પગલે ગામજનો એકજૂટ થઈને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સિંચાઈનું પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો તેઓ મતદાનમાં ભાગ નહીં લે અને પોતાનો વિરોધ નોંધાવશે.
ચૂંટણી પૂર્વે ઉભી થયેલી આ પરિસ્થિતિ તંત્ર માટે મોટો પડકાર બની છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર પગલાં લે છે કે નહીં, અને ગ્રામજનોનો રોષ શાંત થાય છે કે નહીં.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
