પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં બસ સ્ટેન્ડ નજીક લાંબા સમયથી ચાલી રહેલી પાણીના નિકાલની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.

વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે ગંદા પાણીનું ભરાવું સતત યથાવત રહેતા સ્થાનિક લોકોના જીવન પર સીધી અસર પડી રહી છે. મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ જતાં કાદવ, ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળે આવી પરિસ્થિતિ સર્જાતા મુસાફરો, વેપારીઓ અને રોજબરોજ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના પ્રવેશદ્વાર સમાન આ માર્ગ પર પાણી ભરાઈ રહેતા વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જેના કારણે અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે.

આ સમસ્યાનો સૌથી ગંભીર પાસો એ છે કે ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે. મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવાની શક્યતા વધતા લોકોમાં ચિંતા વધી રહી છે. બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ ખાસ જોખમી બની રહી છે, કારણ કે ગંદકી અને દુર્ગંધના કારણે આરોગ્ય પર નકારાત્મક અસર પડી રહી છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા નવી નથી પરંતુ વર્ષોથી ચાલતી આવી રહી છે. અનેક વખત ગ્રામજનો અને વેપારીઓ દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્રની આ ઉદાસીનતા અને બેદરકારીને કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને હવે લોકો ખુલ્લેઆમ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

સાંતલપુર ગામ આસપાસના 20થી વધુ ગામો માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજિંદા કામકાજ તેમજ સારવાર માટે અહીં આવે છે. ખાસ કરીને દર્દીઓ માટે બસ સ્ટેન્ડ વિસ્તાર મહત્વપૂર્ણ હોવાથી અહીં ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

સ્થાનિકોમાં હવે ચર્ચા ચાલી રહી છે કે આખરે આ સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી અને જવાબદાર કોણ છે? તંત્રની આંખ આડા કાનની નીતિને કારણે સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે સ્વીકાર્ય નથી. લોકોનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ડ્રેનેજ વ્યવસ્થા સુધારી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે

આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને સાંતલપુરના લોકોની આ મૂળભૂત સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!