રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. “ડિજિટલ ગુજરાત”ના દાવાઓ વચ્ચે સાંતલપુર તાલુકાના ગાજીસર ગામની ગ્રામ પંચાયતની સ્થિતિ ચિંતાજનક બની છે.
મળતી માહિતી મુજબ, ગાજીસર ગ્રામ પંચાયત ખાતે આવેલું એકમાત્ર કોમ્પ્યુટર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેના કારણે ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો તેમજ સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રહેઠાણના દાખલા, સરકારી યોજનાઓ માટેની ઓનલાઈન અરજીઓ સહિતના અનેક કામો અટવાઈ રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. અનેક લોકોને જરૂરી કામ માટે અન્ય ગામો અથવા તાલુકા મથકે જવાની ફરજ પડી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયતના કોમ્પ્યુટરની ખામી અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર ગ્રામ્ય વિસ્તારોને ડિજિટલ બનાવવાના દાવા કરે છે, પરંતુ મૂળભૂત સાધનો જ કાર્યરત ન હોય તો સામાન્ય નાગરિકોને ડિજિટલ સેવાઓનો લાભ કેવી રીતે મળશે?
ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા પંચાયતના અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કોમ્પ્યુટર કાર્યરત કરાવવા તેમજ પંચાયતની ડિજિટલ સેવાઓ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે છે કે પછી ગ્રામજનોને હજુ વધુ સમય સુધી હાલાકી વેઠવી પડશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
