પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા-દાઉદપુર માર્ગની હાલત અત્યંત ખરાબ બની જતાં વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડવાથી અકસ્માતનો ભય પણ વધી ગયો છે.

ચોમાસા પૂર્વે જ માર્ગની સ્થિતિ દયનીય બની ગઈ છે. રોજિંદી અવરજવર કરતા લોકો માટે આ માર્ગ મુશ્કેલીનું કારણ બન્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે, કારણ કે ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માર્ગના સમારકામ માટે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
વિકાસના દાવાઓ વચ્ચે બાસ્પા-દાઉદપુર માર્ગની બિસ્માર હાલતે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
