ડાયમંડ અને ટેક્સટાઈલ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે(8 જુલાઈ) સવારથી વરસાદમાં રાહત છે પણ પાણી ભરાવાના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કરોડોના માલસામાન અને ઘરવખરીને નુકસાન થયું છે. આ પૂરની સૌથી કરુણ અને હૃદયદ્રાવક પરિસ્થિતિ મોડેલ ટાઉન વિસ્તારમાં એક મધ્યમવર્ગીય માતાની સામે આવી છે, જે ગઈકાલે નોકરી પર ગઈ હતી, પરંતુ પરત ફરતી વખતે અચાનક 10 ફૂટથી પણ વધુ પાણી ભરાઈ જવાના કારણે પોતાના ઘરે પહોંચી શકી નહોતી અને આજે સવારના આઠ વાગ્યાથી આ જળબંબાકાર વચ્ચે ટ્રાફિક સર્કલ પર અસહાય અવસ્થામાં બેસી રહી છે. પૂરના ધસમસતા પાણી વચ્ચે એક તરફ પોતાની લાચારી અને બીજી તરફ ઘરે એકલા મૂકેલા ત્રણ માસૂમ બાળકોની ચિંતામાં આ માતાની આંખોમાંથી આંસુ સુકાતા નથી. મગોબ વિસ્તારમાં 5થી 7 ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો કમરસમા ધસમસતા પાણીમાં જીવનું જોખમ ખેડીને પીવાનું પાણી અને દૂધ જેવી પ્રાથમિક સામગ્રી લેવા બહાર નીકળવા મજબૂર બન્યા છે. લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ખાડીના પાણી બેક મારવાના કારણે કબૂતર સર્કલ નજીક આવેલી અંદાજે 15 જેટલી સોસાયટીઓ ખાડી પૂરથી ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ છે, જેના લીધે હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો પોતાના જ ઘરોમાં નજરકેદ થઈ ગયા છે. સ્થિતિ સામાન્ય થઈ જતા બીઆરટીએસ, સિટી બસ અને એસટીના મોટાભાગના રૂટ પણ શરૂ કરી દેવાયા છે. ગઈકાલે(7 જુલાઈ) શહેરના અનેક વિસ્તારોમાં 11 ઇંચથી લઈને 19 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સરથાણા વિસ્તારમાં 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સુરતે 1941માં જુલાઈ મહિનામાં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય. ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો. 24 કલાકમાં 14 ઈંચ વરસાદ
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં આશરે 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કલેક્ટર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઉધના, લિંબાયત, સચિન, પર્વત ગામ અને વરાછા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. કટોકટીની આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આખી રાત જાગીને આપત્તિના કોલ અટેન્ડ કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ 3 હેલિકોપ્ટરની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી સ્થિતિ નિયંત્રણમાં જણાતા અને હેલિકોપ્ટરની તાતી જરૂરિયાત ન જણાતા હાલ પૂરતું હેલિકોપ્ટર બોલાવવાનું માંડી વાળવામાં આવ્યું છે. 3400 લોકોનું રેસ્ક્યુ, વરસાદી દુર્ઘટનાઓમાં 9ના મોત
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન સાથે NDRFની 3 અને SDRFની 4 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા આશરે 3400 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળોએ તેમજ કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, જિલ્લા ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદાર સાજીદ મેરૂજીના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસમાં વરસાદી આફતને કારણે કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ઝાડ પડવાથી 2, વીજ કરંટ લાગવાથી 4, સચિન GIDCમાં પાણીમાં ડૂબી જવાથી 2 અને કામરેજમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. 18 ઈંચથી વધુ વરસેલા વરસાદે શહેરની હાલત બગાડી
6 જુલાઈએ બપોરના 3 વાગ્યાથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 6 જુલાઈએ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ 7 જુલાઈએ સવારે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજ પડતા પડતાં વરસાદનો આંક 13 ઈંચ સુધી પહોંચી ગયો હતો. શહેરના કેટલાક ઝોન તો એવા હતા કે જ્યાં માત્ર બે કલાકના ગાળામાં 5થી 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં 7 જુલાઈએ સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. 7 જુલાઈએ દિવસ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા હવે સિઝનનો 30 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. શહેર અને જિલ્લાના વરસાદના કારણે 4 ખાડી ઓવરફ્લો
સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ. પણ સાથે જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી. જેના કારણે ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. આ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત
બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેમાં સ્લમ વિસ્તાર હોય કે પોશ કોઈ બાકાત ન રહ્યા. શહેરના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાંના લોકોએ પહેલીવાર જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા
શહેરમાં બે દિવસ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદના કારણે વીજકરંટ લાગતા, વીજળી પડતા અને ઝાડ પડવાના કારણે નાના બાળકો, પરિણીતા અને યુવકો સહિત 9 લોકોના જીવ ગયા હતા. આજે શાળા-કોલેજોમાં રજા જાહેર
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 8 જુલાઈએ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આજે કાપડ માર્કેટ પણ બંધ
સુરત શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ‘ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ’ (FOSTTA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 8 જુલાઈ (બુધવાર)ના રોજ સુરતના તમામ કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વેપારીઓ માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે કે જે વેપારીઓની દુકાનો બેઝમેન્ટ કે લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી હોય, અથવા જેમને માલસામાનની સુરક્ષા માટે તેને અન્ય સ્થળે શિફ્ટ કરવો હોય કે કોઈ અતિ આવશ્યક દસ્તાવેજી કામ માટે દુકાન ખોલવી અનિવાર્ય હોય, તેઓએ સંબંધિત માર્કેટ એસોસિયેશનની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન ખોલવાની રહેશે. સિટી, BRTS અને એસટી બસોના પૈડા થંભી ગયા
સુરતમાં જળબંબાકારના કારણે રસ્તા પર બસ ચલાવવી શક્ય ન હોવાના કારણે 7 જુલાઈએ સિટી અને BRTS બસ બંધ કરી દેવામાં આવી હતી. એસટી બસો પણ બંધ કરી દેવામાં આવી હતી. આ તમામ બસો પાણી ઓસર્યા બાદ સ્થિતિની ચકાસણી કર્યા બાદ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સુરત શહેરમાં હવે પછી શું?
શહેરમાં બે દિવસ દરમિયાન વરસાદી આફતનો સામનો કરનારા લોકોના મનમાં એક જ સવાલ છે કે હવે શું થશે? હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે (8 જુલાઈએ) યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 9 જુલાઈએ વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 48 કલાકની આગાહી જોતા તો શહેરીજનોને રાહત મળવાની શક્યતા છે. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદનો વિરામ જરુરી
સુરત શહેરની સ્થિતિ એવી છે કે, પાંચમાંથી ચાર ખાડી ભયજનક સપાટીને પાર કરી ગઈ હોય. જો શહેરમાં વરસાદ ન વરસે અને જિલ્લામાં ચાલુ રહે તો પણ ખાડીમાં પાણીની આવક થતા શહેરમાંથી પસાર થતી ખાડીની આસપાસના વિસ્તારોની મુશ્કેલી વધી શકે છે. હાલ તો તંત્ર દ્વારા 700 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ જરુર પડે તો સ્થળાંતરની તૈયારી કરી રાખી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!