મીરાં દરવાજાથી પટણી દરવાજા સુધીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, બજારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સીઝનના પ્રથમ ધોધમાર વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી, પરંતુ સાથે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિક સ્થિતિ પણ ઉજાગર કરી દીધી. વરસાદ બાદ શહેરના મીરાં દરવાજાથી પટણી દરવાજા સુધીના મુખ્ય બજાર માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો.

મુખ્ય બજાર વિસ્તારમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ન થતાં રસ્તા પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રાહદારીઓ, વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો ધીમી ગતિએ પસાર થયા હતા, જ્યારે કેટલાક સ્થળોએ લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

દર વર્ષે ચોમાસા પહેલાં ગટર સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી પૂર્ણ થયાના દાવા કરવામાં આવે છે. જોકે પ્રથમ જ ભારે વરસાદમાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી અંગે અસંતોષ અને ચર્ચા જોવા મળી હતી. નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો શરૂઆતના વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે, તો આગામી ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે?

સ્થાનિકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા તેમજ લાંબા ગાળાનું કાયમી આયોજન કરવાની માંગ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યામાંથી શહેરને રાહત મળી શકે.

બીજી તરફ, રાધનપુર તાલુકાના કલ્યાણપુરા, પીપળી, સાતુંન, અલ્હાબાદ, પોરાણા, પ્રેમનગર, સરદારપુરા સહિતના અનેક ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને હવે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!