અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16 જુલાઈના રોજ ભક્તિસભર માહોલમાં યોજાવા જઈ રહી છે. રથયાત્રાના સૌથી પવિત્ર અને મહત્વના પ્રસંગોમાંના એક એવા ભગવાન જગન્નાથજીના ‘મામેરું’ ભરવાનો પરમ લ્હાવો આ વર્ષે મેમનગરમાં રહેતા દવે પરિવારને પ્રાપ્ત થયો છે. છેલ્લા 7થી 8 વર્ષથી ભગવાનના મોસાળાના યજમાન બનવા માટે આતુર આ પરિવારમાં હાલ જાણે લગ્નપ્રસંગ હોય એવો માહોલ બન્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મામેરું ભરનાર તેજસભાઈ દવે અને તેમના પત્ની જિજ્ઞાસાબેન દવેએ આ અદ્ભુત ક્ષણની ખુશી વ્યક્ત કરતા પોતાની અનોખી શ્રદ્ધાની સફર શેર કરી હતી. દ્વારકાધીશના શરણે હતા ને જગન્નાથજી મંદિરમાંથી ફોન આવ્યો!
મૂળ સુરેન્દ્રનગરના વતની અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા તેજસભાઈ દવેનો જન્મ સરસપુરમાં થયો હોવાથી તેઓ નાનપણથી જ રથયાત્રાની ભક્તિમાં રંગાયેલા છે. આ વર્ષે ડ્રોમાં તેમનો નંબર કેવી રીતે લાગ્યો તે અંગે એક રોચક કિસ્સો શેર કરતા તેજસભાઈએ જણાવ્યું કે, “હું ગત 28 એપ્રિલના રોજ દ્વારકા ખાતે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા ગયો હતો. બરાબર એ જ સમયે મને જગન્નાથજી મંદિરમાંથી ફોન આવ્યો અને જણાવાયું કે, આ વર્ષે મામેરું ભરવા માટે ડ્રોમાં તમારો નંબર લાગી ગયો છે! કાળિયા ઠાકોરની આ કૃપા સાંભળીને જ અમારો આખો પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો.” વાસ્તુ પૂજા પહેલાં બંગલામાં ભગવાનનો ગૃહપ્રવેશ થશે
વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારો એક આલીશાન બંગલો હાલ શીલજ વિસ્તારમાં બની રહ્યો છે. સામાન્ય સંજોગોમાં અમે ઓગસ્ટ મહિના પછી ત્યાં રહેવા જવાનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ, પ્રભુનું મામેરું ઘર આંગણે આવ્યું હોવાની જાણ થતાં જ અમે એક અનોખો સંકલ્પ કર્યો. આ અંગે લાગણીસભર વાત કરતા કહ્યું કે, અમે ઘરમાં ત્રણ ભાઈઓ છીએ અને અમારે કોઈ સગી બહેન નથી એટલે અમે અમારી બહેન સુભદ્રાજીનું ધામધૂમથી મામેરુ કરીશું. પરિવારની ઈચ્છા હતી કે, ઘરનું વાસ્તુ ભલે પછી થાય પણ ઘરમાં પહેલો પ્રવેશ સ્વયં ભગવાન જગન્નાથજી જ કરે! આ સંકલ્પને પૂરો કરવા માટે છેલ્લા કેટલાક સમયથી રોજ 50 જેટલા કારીગરો 24 કલાક સતત કામ કરીને ઘરને રેડી કરી રહ્યા છે. મોરની થીમ પર મામેરાની તૈયારી
તેજસભાઈના પત્ની જિજ્ઞાસાબેન દવેએ જણાવ્યું કે ઘરમાં રોજેરોજ મહેમાનોના લિસ્ટ બને છે અને ઉત્સાહનો માહોલ છે. જોકે, લંડનમાં અભ્યાસ કરતી તેમની એકમાત્ર દીકરી આ સમયે એક્ઝામ હોવાને કારણે આવી શકી નથી, જેનો મનમાં થોડો વસવસો છે. આ વર્ષે ભગવાનનું મામેરું અત્યંત ભવ્ય અને ખાસ રહેવાનું છે બનારસી સિલ્ક અને ગુલાબી કલરના વાઘામાં દર્શન દેશે પ્રભુ
ભગવાનના વાઘા તૈયાર કરનાર સોની સુનીલભાઈ વાઘાવાડાએ જણાવ્યું કે, અખાત્રીજના પવિત્ર દિવસથી જ ભગવાનના વસ્ત્રો અને ઘરેણાં બનાવવાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભગવાનના વાઘામાં બનારસી સિલ્ક, કલકત્તી સિલ્ક અને વેલ્વેટ કાપડ પર આકર્ષક વર્ક કરવામાં આવ્યું છે. ભગવાન આ વખતે નગરચર્યાએ નીકળશે ત્યારે ખાસ મોતીવાળો મુગટ અને છ તેમજ સાત ચોગાવાળી વિશેષ પાઘડી ધારણ કરશે. નગરયાત્રા દરમિયાન પ્રભુ ગુલાબી રંગના વાઘા સજશે, જેની પાછળનો ભાવ એ છે કે ભગવાન જગતના નાથ બનીને નગરમાં નીકળે ત્યારે તમામ ભક્તોને શીતળતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે. 16મીએ નાસિક ઢોલ અને DJના તાલે નીકળશે શોભાયાત્રા
આગામી 11 જુલાઈના રોજ સરસપુરમાં ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા-અર્ચના થશે. ત્યારબાદ, મુખ્ય રથયાત્રાના દિવસે એટલે કે 12 જુલાઈના રોજ વહેલી સવારે 9:00 વાગ્યે દવે પરિવારના શીલજ સ્થિત નવા ઘરેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ પ્રસંગે અનેક લોકોને આમંત્રિત કરાયા છે. ડીજેના ધૂમધડાકા અને નાસિક ઢોલના ગગનભેદી નાદ સાથે દવે પરિવાર વાજતે-ગાજતે લાડલી બહેન સુભદ્રાજી અને કાળિયા ઠાકોરનું મામેરું લઈને જગન્નાથજી મંદિર પહોંચશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!