ગુંદી વાસ વિસ્તારમાં અકસ્માતની ઘટના, સેફટી સાધનોના ઉપયોગ અંગે ઉઠ્યા સવાલો
![]()
![]()
![]()
રાધનપુર શહેરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની કામગીરી દરમિયાન એક કર્મચારી અકસ્માતે નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ઘાંચી મસ્જિદ નજીક આવેલા ગુંદી વાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારી નારણભાઈ માલુભાઈ ભરવાડ નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્મિક ઘટના બનતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તેમને પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સેફટી વ્યવસ્થાને લઈને સવાલો
ઘટના બાદ નગરપાલિકા દ્વારા જોખમી ઇલેક્ટ્રિકલ કામગીરી દરમિયાન કર્મચારીઓ માટે પૂરતી સલામતી વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને થાંભલા ઉપર ચઢીને કામગીરી કરતી વખતે કર્મચારીને જરૂરી સેફટી સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
રાધનપુર પાલિકા સદસ્ય તથા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિકલ કામગીરી જોખમી હોવાથી કર્મચારીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. સેફટી બેલ્ટ, હેલ્મેટ, સેફટી શૂઝ, હાથમોજાં સહિતના સુરક્ષા સાધનોનો ફરજિયાત ઉપયોગ કરાવવામાં આવે તે જરૂરી છે.
તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને જવાબદાર અધિકારીની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.
જવાબદારી નક્કી કરવાની માંગ
આ ઘટનામાં કર્મચારી ઇજાગ્રસ્ત થતાં પાલિકા તંત્ર દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવે અને જો કોઈ પ્રકારની બેદરકારી સામે આવે તો જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સાથે જ ઇજાગ્રસ્ત કર્મચારીને યોગ્ય સારવાર અને જરૂરી સહાય મળી રહે તે માટે પણ પાલિકા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

