“ભ્રષ્ટાચાર નથી તો વર્ક ઓર્ડર જાહેર કરો, નહીં તો પ્રજાની સામે હકીકત સ્પષ્ટ કરો” : જયાબેન ઠાકોર
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધીના બ્લોક કામની ગુણવત્તા અને અંદાજિત રૂ. 15 લાખના ડિવાઈડર કામ અંગે ગંભીર આક્ષેપો
રાધનપુર નગરપાલિકામાં વિકાસકામોની કામગીરી અને ખર્ચને લઈને ફરી એકવાર વિપક્ષે સત્તાપક્ષ સામે સવાલો ઉઠાવ્યા છે. નગરપાલિકાના વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરે રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધી કરવામાં આવેલા બ્લોકના કામ તેમજ હાલ ચાલી રહેલા ડિવાઈડરના કામને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.
જયાબેન ઠાકોરના આક્ષેપ મુજબ, રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધી બ્લોક નાખવાની કામગીરીમાં ગુણવત્તાના ધોરણોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. જેના કારણે કામ પૂર્ણ થયા બાદ ટૂંકા સમયમાં જ માર્ગની સ્થિતિ બગડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પ્રજાના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.

આ ઉપરાંત, આ જ માર્ગ પર આશરે રૂ. 15 લાખના ખર્ચે ડિવાઈડરનું કામ કરવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો છે. આ કામ માટે નિયમિત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે કે નહીં તેમજ કાયદેસર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે કે નહીં તે અંગે નગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરી છે.
જયાબેન ઠાકોરે સત્તાપક્ષને ખુલ્લો પડકાર આપતા જણાવ્યું કે, “જો કામમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર નથી તો જાહેરમાં વર્ક ઓર્ડર અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવે. જો નિયમો મુજબ પ્રક્રિયા કરવામાં આવી હોય તો તેની સંપૂર્ણ વિગતો પ્રજાની સામે મૂકવામાં આવે.”
તેમણે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ બ્લોકના કામની ગુણવત્તાની ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
વિપક્ષની મુખ્ય માંગણીઓ
રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધીના બ્લોક કામની ગુણવત્તાની નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવામાં આવે.
ડિવાઈડરના કામ અંગે ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડરની વિગતો જાહેર કરવામાં આવે.
કામમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
નિયમ વિરુદ્ધ ખર્ચ થયો હોય તો જવાબદારો પાસેથી સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે.
સમગ્ર કામના બિલ, વર્ક ઓર્ડર, ટેન્ડર તથા મંજૂરી સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં આવે.
જયાબેન ઠાકોરે વધુમાં ચેતવણી આપી છે કે જો આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે અને જવાબદારી નક્કી કરવામાં નહીં આવે, તો વિપક્ષ દ્વારા પ્રજાના હિતમાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન તથા આંદોલન કરવામાં આવશે.
હવે જોવાનું એ રહેશે કે રાધનપુર નગરપાલિકા દ્વારા વિપક્ષના આ આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને ડિવાઈડરના કામના વર્ક ઓર્ડર સહિતના દસ્તાવેજો જાહેર કરવામાં આવે છે કે નહીં.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

