બેન્ટોનાઈટના ગેરકાયદેસર ખનનની બાતમી બાદ રાત્રે પહોંચેલા અધિકારીઓ સાથે ઉગ્ર વર્તનનો આક્ષેપ
કચ્છના લખપત તાલુકામાં બેન્ટોનાઈટના કથિત ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી મહેસૂલ વિભાગની ટીમ પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. મુરચબાણ ગામની સીમમાં રાત્રિના સમયે દરોડા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે દયાપર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, તા. 4 સપ્ટેમ્બર 2026ની રાત્રે આશરે બે વાગ્યે નખત્રાણાના મદદનીશ કલેક્ટર તથા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ ને મુરચબાણની સીમમાં બેન્ટોનાઈટના ગેરકાયદેસર ખનન અંગે બાતમી મળી હતી. તેઓ ડ્રાઈવર સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં હિટાચી મશીન અને ટ્રકો હોવાની માહિતી સામે આવી હતી.
સ્થળની પરિસ્થિતિ અંગે પ્રાંત અધિકારીએ દયાપરના મામલતદાર નવીનચંદ્ર મુળજીભાઈ મારૂને જાણ કરી હતી. ત્યારબાદ મામલતદાર પોતાના સ્ટાફ અને સરકારી વાહનના ડ્રાઈવર સાથે રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સરકારી ટીમે સ્થળ પર હાજર રાજુ રબારી, લાભુભા જાડેજા તથા એક અજાણ્યા વ્યક્તિ પાસે ખનિજના ખનન અને પરિવહન અંગેના જરૂરી દસ્તાવેજો તથા રોયલ્ટી પાસની માંગણી કરી હતી. ફરિયાદ મુજબ આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને અધિકારીઓ સાથે અપશબ્દો બોલી ધમાલ કરવામાં આવી હતી.
ત્યારબાદ સરકારી અધિકારીઓ તથા તેમના વાહન તરફ પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સદનસીબે પથ્થરમારાની ઘટનામાં કોઈ અધિકારી કે કર્મચારીને ઈજા થઈ ન હોવાનું જણાવાયું છે.
આ ઘટનાને લઈને સરકારી ફરજમાં અડચણ અને અધિકારીઓ સાથે થયેલા કથિત હુમલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. મદદનીશ કલેક્ટરની સૂચના બાદ દયાપરના મામલતદાર નવીનચંદ્ર મારૂએ 9 સપ્ટેમ્બર 2026ના રોજ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે રાજુ રબારી, લાભુભા જાડેજા અને એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 132, 125, 296(b) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ પીઆઈ વિશાલકુમાર ભીખાભાઈ પટેલ ચલાવી રહ્યા છે.
ખનિજ ચોરી સામે તંત્રની કાર્યવાહી સામે પડકાર
મુરચબાણની આ ઘટનાએ ગેરકાયદેસર ખનિજ ખનન સામે કામગીરી કરતી સરકારી ટીમોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. હવે પોલીસ તપાસમાં પથ્થરમારાની સમગ્ર ઘટના, ગેરકાયદેસર ખનન તથા તેમાં સંડોવાયેલા લોકો અંગે શું હકીકતો બહાર આવે છે તેના પર સૌની નજર છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
