વરસાદ બાદ મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો
અટકાવવા માટે યુદ્ધના ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી આરંભાઇ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ કચ્છનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. કચ્છમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના અટકાયત માટે કામગીરી આરંભાઇ છે.
વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી સાથે સગર્ભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્ર જેવા સલામત સ્થળે ખસેડવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગ કરાઇ હતી. વરસાદી મૌસમમાં મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો ફેલાઇ નહીં તે માટે દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોગ અટકાયતી ટીમો દ્વારા ગામ તથા શહેરોમાં ઘરો ઘર સર્વે, સાફ- સફાઇ, પાણી નિકાલ, પાણીના ટાંકાનું કલોરીનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઇ છે.
જિલ્લા આરોગ્ય તંત્ર, પાણી પુરવઠા, નગર પાલિકા તથા પંચાયતકક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી-જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે 626 મેડીકલ ટીમ દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં 1,53,121 વસતીનો સર્વે કરાયો છે. જેમાં 89 ઝાડા, 395 શરદી ઉધરસ, 871 તાવનાં કેસ જોવા મળેલા તેમજ 1631 લોહીનાં નમૂના તપાસ માટે લીધેલા તેમજ 599 ORS નાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 13,806 કલોરીન ટેબલેટના વિતરણ સાથે 2,13,899 મચ્છરોની ઉત્પત્તિ માટેના પાત્રો તપાસવામાં આવ્યા હતા. જેમાં 5,998 પાત્રોનો નાશ કરાયો હતો. ઉપરાંત 67,807માં દવા નાખવામાં આવી હતી. જ્યારે 845 વિસ્તારોમાં ક્લોરિન ટેસ્ટીગ કરાયું જેમાં 218 જગ્યાએ નેગેટીવ રીપોર્ટ આવતા તેનું તુરંત કલોરીનેશન કરવામાં આવ્યું હતું.
The Gujarat Live News કચ્છ
