પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.
વરસાદની અસર શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળી સોસાયટીઓમાં ગંભીર રૂપે જોવા મળી રહી છે.








સોસાયટીઓમાં પાણી ભરાવ વધતા રહેવાસીઓ દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે તંત્રના અનેક વિભાગોએ મળીને સંકલિત કામગીરી હાથ ધરી છે.
હાઇવે ઓથોરિટી વિભાગ, રાધનપુર તાલુકા મામલતદારશ્રી ચાવડા સાહેબ, નાયબ મામલતદારશ્રી ગઠવી સાહેબ,નગરસેવક જયાબેન ઠાકોર, નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ, નગરપાલિકા પ્રમુખશ્રી પ્રકાશપુરી, ઓએસ અધિકારી હિતેશભાઈ ચૌધરી, તેમજ સરદારપુરા ગામના સરપંચશ્રી બાબુભાઈ મકવાણા અને તલાટી શ્રી મનુભાઈ ઠાકોર સૌએ સાથે મળી સ્થળ પર મુલાકાત લઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
રહેવાસીઓની વ્યથા સાંભળી અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની દિશામાં પાણીની જાવક માટે શક્ય માર્ગો શોધ્યા હતા.
પંપિંગ મશીનો દ્વારા પાણી નિકાલ શરૂ કરવાનો પ્રયાસ તેમજ ડ્રેનેજ લાઈનો સાફ કરવા જેવા પગલાં લેવામાં આવ્યા હતા.
ખાસ વાત એ રહી કે રવિવારનો રજાનો દિવસ હોવા છતાં તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ તાત્કાલિક હાજર રહીને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસશીલ બન્યા હતા.
અધિકારીઓના આ સક્રિય અભિગમને કારણે સોસાયટીઓના લોકોમાં આશા જગાઈ છે કે ટૂંક સમયમાં પાણી ભરાવની સમસ્યા પરથી રાહત મળશે.
સ્થાનિક સોસાયટીઓના રહીશો દ્વારા તંત્રની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
રહેવાસીઓએ જણાવ્યું કે “સમયસર મળેલો આ સહકાર અમારે માટે રાહતરૂપ છે.
તંત્રના તમામ અધિકારીઓ અને પ્રતિનિધિઓએ એકજૂટ થઈને જે સેવા આપી છે તે બદલ અમે સૌ હૃદયપૂર્વક આભારી છીએ.”
સત્તાવાળાઓના સંકલિત પ્રયાસો અને સતત દેખરેખને કારણે હવે ધીમે ધીમે પાણીની જાવક શરૂ થઈ રહી છે.
જો આગામી દિવસોમાં ભારે વરસાદ ન વરસે તો હાલની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
