ભારે વરસાદથી સાંતલપુર તાલુકામાં કટોકટી – તંત્ર સજાગ, પરંતુ તલાટી ગેરહાજર
સાંતલપુર તાલુકામાં ગત અઠવાડિયે અતિભારે વરસાદ વરસતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગે અગાઉથી ભારે વરસાદની આગાહી કરી હતી, જેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તાલુકા સ્તરના કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા તથા સતત ચેતન રહેવા માટે સ્પષ્ટ આદેશ અપાયા હતા.
પરંતુ આગાહી સાચી પડતા સરહદી ગામોમાં વરસાદનું તાંડવ શરૂ થયું હતું.
બરારા ગામમાં તળાવ તૂટતા પાણી ઘુસ્યા હતા અને ગામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ સમયે જિલ્લા સ્તરના અધિકારીઓ, ધારાસભ્ય, વિધાનસભાના અધ્યક્ષ તેમજ પ્રભારી મંત્રી સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચી ગ્રામજનોની સ્થિતિની માહિતી મેળવી જરૂરી સહાયતા કાર્ય શરૂ કર્યું હતું.
તલાટી ફરજમાંથી ગેરહાજર
અવસરમાં ગામના લોકોની સાથે તંત્ર પણ મદદરૂપ બન્યું હતું, પરંતુ બરારા ગામના તલાટી કમ મંત્રી રાકેશભાઈ નાયક ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા હતા.
ગામજનો દ્વારા પણ તલાટી હાજર ન રહેવા અંગે રાવ કરવામાં આવી હતી.
ડિડીઓ દ્વારા આકરી કાર્યવાહી
ગામજનોની રજૂઆત અને તંત્રની તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પટેલે તલાટી કમ મંત્રીને ફરજમાંથી મોકૂફ રાખવાની કડક કાર્યવાહી કરી હતી.
આ નિર્ણય બાદ તાલુકાના અન્ય કર્મચારીઓમાં પણ ચકચાર મચી ગઈ હતી.
ચેતવણીરૂપ પગલું
જિલ્લા તંત્રે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પૂર જેવી કુદરતી આફતમાં કર્મચારીઓની ફરજમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
લોકો મુશ્કેલીમાં હોય ત્યારે સરકારી કર્મચારીઓની હાજરી ફરજિયાત ગણાય છે.
આવા સમયમાં ગેરહાજરીને ગંભીર ગુનો માનવામાં આવશે.
ગામજનોમાં રાહત, કર્મચારીઓમાં ચકચાર
બરારા ગામના તલાટી સામેની કાર્યવાહીથી ગામજનોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે કે મુશ્કેલીની ઘડીએ સરકાર તેમની સાથે છે.
બીજી તરફ કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ છે કે ફરજ દરમિયાન ગેરહાજર રહેવું હવે સહન કરવામાં નહીં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
