વધારાના શિક્ષણકાર્યના લીધે એનએમએસ તેમજ જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા સુધી પહોંચાડનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ સાથે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો “પ્રેરણા સંવાદ”

શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે, પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે. 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. આ દિવસે આપણે સૌ આપણા શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી છીએ અને તેઓના આપણાં જીવનમાં આપેલા યોગદાન બદલ આભાર માનીએ છીએ. મા બાળકને જન્મ આપે છે અને એક શિક્ષક બાળકને જીવન જીવતા શીખવાડે છે એમ કહીએ તો અતિશ્યોકિત ન ગણાય. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસે ગુજરાતના ભાવીનું ઘડતર કરતા અને ખાસ કરીને રાજ્યના છેવાડાના વિસ્તારોના બાળકોને એક નવી દિશા આપતા ગુજરાતના ૩૭ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સારસ્વતો સાથે “પ્રેરણા સંવાદ “કર્યો હતો જેમાં સાંતલપુર તાલુકાના છેવાડાના ધોકાવાડા ગામમાં પી.એમ.શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકો સાથે સંવાદ કરીને તેઓને સકારાત્મક વિચાર સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવા પ્રેરણા આપી હતી.
શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ ધોકાવાડા ગામમાં પી.એમ.શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ MA સાથે PTC ની ડિગ્રી ધરાવે છે. છેલ્લા 17 વર્ષથી શિક્ષણકાર્યમાં જોડાયેલા શિક્ષક શ્રી રમેશભાઈ સેંધવ રમતગમતમાં પણ સક્રિય છે. તેમના માર્ગદર્શનમાં આ શાળા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રહી છે અને રાજ્ય સરકારના પણ પુરસ્કારો મેળવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસસ્થાને આયોજિત સારસ્વતો સાથેના સંવાદમાં જોડાયેલા શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવે જણાવ્યું હતું કે, શિક્ષણ દ્વારા વ્યક્તિના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. જેથી શાળાના સમય ઉપરાંત વિધાર્થીઓને શાળાના સમય પહેલા અને શાળાના સમય પછી અભ્યાસ પ્રદાન કરવામાં આવે છે જેના લીધે અંતરિયાળ વિસ્તારના વિધાર્થીઓ વિવિધ પરીક્ષાઓ જેવી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા, એનએમએસ (NMS) પરીક્ષા, અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાઓ માટે બાળકોને તૈયાર કરીએ છીએ. જેના લીધે શાળાના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થયો છે. વિધાર્થીઓને શાળામાં સમય પહેલા અને સમય બાદ આપવામાં આવતા અભ્યાસના લીધે અત્યાર સુધીમાં એનએમએસ પરીક્ષામાં ૩૯ વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળે છે અને સરકારશ્રીના પ્રયત્નોના લીધે આજે બાળકો રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ મેળવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
શ્રી સેંધવ સુરેશકુમારે આ તક અને સન્માન બદલ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે ઉમેર્યું કે સરકારનો આ પ્રયાસ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં મદદ કરશે અને અન્ય શિક્ષકોને પણ આવી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરશે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને શિક્ષણની સુવાસ ફેલાશે.
સી.આર.સી.શ્રી દલાભાઈ આહિરે જણાવ્યું કે ધોકાવાડા પે સેન્ટર શાળામાં શિક્ષકો માત્ર શાળા સમય પૂરતું જ નહીં, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના સમય બાદ પણ માર્ગદર્શન આપે છે. આ ‘સમયદાન’ના લીધે છેલ્લા ત્રણ વર્ષથી જ્ઞાન સાધના અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લામાં મોખરાના સ્થાને છે. આના લીધે આ ક્લસ્ટરે વર્ષ ૨૦૨૨માં સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવીને પોતાની શૈક્ષણિક ગુણવત્તાનો પરિચય કરાવ્યો હતો. શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા શાળાના બાળકોને સવાર સાંજ સમય ફાળવીને માર્ગદર્શન આપે છે. તેમના આ પ્રયાસોના પરિણામે, ધોકાવાડા પ્રાથમિક શાળા વર્ષ ૨૦૨૨થી જ્ઞાન સાધના પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં પણ ટોચના સ્થાને રહી છે.
પી.એમ.શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાના આચાર્યેશ્રી નારાયણભાઈ આહિરે જણાવ્યું હતું કે, અમારી શાળામાં સવારથી સાંજ સુધી શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. છેલ્લા ૧૦ વર્ષથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ સવાર સાંજ શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. આ પહેલથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામો મળી રહ્યાં છે. આ કાર્યમાં શ્રી સુરેશભાઈ સેંધવ, શ્રીમતી ડિમ્પલબેન, શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, અને શ્રીમતી ફોરમબેન દ્વારા સવાર- સાંજે બાળકો માટે સ્વૈચ્છિક સેવા આપે છે. જેના લીધે આજે શાળામાં ઉતરોતર પ્રગતિ થઈ રહી છે. શિક્ષણ થકી અંતરિયાળ અને સરહદી વિસ્તારના બાળકોના જીવનમાં પરિવર્તન આવશે. આ પહેલના સકારાત્મક પરિણામો શાળામાં જોવા મળી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
