હારીજ તા. 15 : પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું વિશાળ સંમેલન યોજાયું હતું.
આ સંમેલન ખાસ કરીને દૂધસાગર ડેરી મહેસાણા સામે ચાલી રહેલા અનેક મુદ્દાઓને લઈને બોલાવવામાં આવ્યું હતું.












સવારે થી જ મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના ગામડાઓમાંથી ધસી આવ્યા હતા અને સ્થળ પર ગરમાગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
સંમેલનમાં પશુપાલકો દ્વારા ડેરીની કામગીરી અંગે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
દૂધના ભાવમાં પૂરતો વધારો ન કરવો, સાગરદાનની ગુણવત્તા જળવાતી ન હોવી, દૂધસાગર ડેરી દ્વારા આપવામાં આવતી વિવિધ લોનનું ભારણ સીધું પશુપાલકોના માથે મૂકવામાં આવવું અને ડેરીના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો મુખ્યત્વે ચર્ચાનો વિષય બન્યા હતા.
પશુપાલકોનું કહેવું હતું કે વર્ષોથી તેઓ ડેરી પર વિશ્વાસ રાખીને પોતાના જીવન નિર્વાહ માટે મહેનત કરે છે, પરંતુ આજે તેમનાં હિતોની અવગણના થતી હોવાના કારણે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે.
કાર્યક્રમ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
દૂધસાગર ડેરી મહેસાણાના સમર્થકો મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા બાદ બંને પક્ષો વચ્ચે શાબ્દિક અથડામણ અને તુતુમેમેં સર્જાઈ હતી.
એક સમયે વાતાવરણ એટલું ગરમાયું કે અથડામણ હિંસક વળાંક લે તેવી શક્યતા ઊભી થઈ ગઈ હતી.
જોકે જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને મધ્યસ્થતા કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પોલીસના હસ્તક્ષેપ બાદ પણ પશુપાલકો અટક્યા નહોતા.
તેમણે સંમેલન સ્થળેથી રેલી સ્વરૂપે હારીજ ચાર રસ્તા સુધી કૂચ કરી હતી. રેલી દરમિયાન પશુપાલકોએ દૂધના કેન રસ્તા પર ઢોળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને દૂધસાગર ડેરી વિરુદ્ધ તીખા સૂત્રોચાર કર્યા હતા.
પશુપાલકોના આંદોલનથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી.
સ્થાનિક વેપારીઓ તથા રહેવાસીઓએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પોલીસ તંત્ર દ્વારા વધારાની બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી જેથી કોઈ અણધારી ઘટના ન સર્જાય.
પશુપાલકોના આંદોલનને લઈ દૂધસાગર ડેરીના જવાબદારોએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપેલી નથી, પરંતુ સંમેલનમાં ઉપસ્થિત પશુપાલકોનો એક મત હતો કે જો તેમની સમસ્યાઓનો ઉકેલ ટૂંક સમયમાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
આ સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જોકે પોલીસની ચુસ્ત કામગીરીને કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
