ગુજરાત રાજ્યમાં વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગાર સંબંધિત મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
તાલીમાર્થીઓએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પત્ર લખીને પોતાના હકોની રક્ષા માટે ન્યાયની માગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર શિક્ષા અભિયાન (SSA Gujarat) અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન ગુજરાત રાજ્યના દરેક વ્યાવસાયિક તાલીમાર્થી માટે શિક્ષણ મંત્રાલય દ્વારા વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
પરંતુ આ ભંડોળ હોવા છતાં તાલીમાર્થીઓને પૂરતું વેતન મળતું નથી અને તેમના પગારમાંથી અનૈતિક રીતે કપાત કરવામાં આવી રહી છે.
અગાઉ તાલીમાર્થીઓને દર મહિને રૂ. 18,000/- જેટલો કુલ પગાર આપવામાં આવતો હતો.
મે 2025થી આ રકમમાં વધારો કરીને રૂ. 21,000/- પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે.
પરંતુ તાલીમાર્થીઓના જણાવ્યા મુજબ તેમના પગારમાંથી ગેરકાયદેસર રીતે 25% EPF અને 4% ESIC કાપવામાં આવે છે. પરિણામે તેમને હાથમાં માત્ર રૂ. 16,679/- જેટલી નેટ રકમ મળે છે.
તાલીમાર્થીઓનું કહેવું છે કે આટલી ઓછી નેટ આવક સાથે કુટુંબનું ગુજરાન ચલાવવું મોંઘવારીના આ સમયમાં અશક્ય બની ગયું છે.
વધુમાં, આ કપાત ન તો કાયદેસર છે અને ન તો SSA કે શિક્ષણ મંત્રાલયના નિયમો મુજબ. તાલીમાર્થીઓએ સરકાર સમક્ષ સ્પષ્ટ માગણી કરી છે કે માત્ર 2% TDS કપાત જ અમલમાં રાખવામાં આવે અને EPF તથા ESICની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવે.
આ ઉપરાંત SSA ગુજરાતને વર્ષ 2024-25 દરમ્યાન તાલીમાર્થીઓ માટે ફાળવાયેલ ભંડોળની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવે એવી પણ તેઓએ માગણી કરી છે.
તાલીમાર્થીઓના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ભંડોળ પૂરતું ફાળવવામાં આવે છે, છતાં જમીન સ્તરે તેનો યોગ્ય લાભ વ્યાવસાયિક ટ્રેનરો સુધી પહોંચતો નથી.
રાજ્યભરના તાલીમાર્થીઓમાં આ મુદ્દાને લઈને ભારે અસંતોષ ફેલાયો છે.
ઘણા ટ્રેનરોનું કહેવું છે કે સરકાર એક બાજુ શિક્ષણ ક્ષેત્રે સુધારા અને ગુણવત્તા વધારવાની વાત કરે છે, પરંતુ બીજી બાજુ શિક્ષકો અને તાલીમાર્થીઓના મૂળભૂત હકોની અવગણના કરે છે.
તાલીમાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ પોતાના હકો માટે આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થશે.
આ સમગ્ર ઘટનાને કારણે શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ તથા વહીવટી તંત્રની ભૂમિકા પર પણ પ્રશ્નચિહ્નો ઉભા થયા છે.
હવે જોવાનું રહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય આ ગંભીર મુદ્દાને કેવી રીતે સંબોધે છે અને વ્યાવસાયિક તાલીમાર્થીઓને તેમની ન્યાયસંગત માંગણીઓ માટે કઈ રીતે રાહત અપાય છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
