ગુજરાત સરકાર દ્વારા તાજેતરની કેબિનેટ બેઠકમાં રાજ્યના 17 નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે.
પરંતુ પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાનું વર્ષોથી ચાલતું વિભાજનનું સ્વપ્ન ફરી એક વખત અધૂરું રહી ગયું છે.
પરિણામે સમગ્ર સાંતલપુર વિસ્તારમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે.
વર્ષોથી ચાલતી માગ ફરી અધૂરી
સાંતલપુર તાલુકાનું વિભાજન કરવાની માંગ નવી નથી.
દાયકાઓથી આ વિસ્તારના લોકો આ મુદ્દે રજુઆતો કરતા આવ્યા છે.
કારણ કે હાલ સાંતલપુર તાલુકાની તમામ સરકારી કામગીરી વારાહી ખાતે થાય છે, જે સાંતલપુરથી 30 કિ.મી. દૂર છે.
છેવાડાના પીપરાળા, જાખોત્રા અને એવાલ જેવા ગામો માટે આ અંતર 50 કિ.મી. જેટલું છે. આ કારણે નાનાં–મોટાં કામકાજ માટે પ્રજાજનોને આખો દિવસ બગાડવો પડે છે.
કામ અધૂરું રહી જાય તો બીજા દિવસે ફરીથી આવવું પડે છે.
આ હેરાનગતિને કારણે સ્થાનિક પ્રજા વર્ષોથી તાલુકા વિભાજનની માગ કરતી આવી છે.
સ્થાનિક આગેવાનોનો આક્ષેપ
પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઈ આહિરે જણાવ્યું હતું કે – “જ્યારે સરકારે જાહેરાત કરી કે નવા 17 તાલુકાઓ બનવાના છે ત્યારે અમને આશા હતી કે સાંતલપુરનો સમાવેશ ચોક્કસ થશે.
પરંતુ ફરી એક વખત અમારી વર્ષોની માગ અવગણાઈ છે.
જો પછાત વિસ્તારોને આગળ લાવવા હોય તો સાંતલપુરનું વિભાજન અનિવાર્ય છે.”
સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે – “મુખ્યમંત્રી જ્યારે સાંતલપુર આવ્યા ત્યારે અમે લેખિતમાં રજુઆત કરી હતી.
હાલ જે તાલુકાઓ જાહેર થયા છે તેમાં સાંતલપુરનો સમાવેશ નથી.
આવતી મંગળવારે અમે ફરીથી મુખ્યમંત્રીને મળીને આ મુદ્દો રજૂ કરીશું.”
પ્રજામાં અસંતોષ અને સોશિયલ મીડિયા પર રોષ
સરકાર દ્વારા નવા તાલુકાઓ જાહેર થયા બાદ પણ સાંતલપુરનું નામ યાદીમાં ન આવતા સ્થાનિક પ્રજામાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
સોશિયલ મીડિયામાં સત્તાધારી પક્ષના અગ્રણીઓ પર ટીકા થઈ રહી છે.
લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓએ પ્રજાના દુખદર્દને યોગ્ય રીતે રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યા નથી.
વિકાસના વચનો માત્ર સ્ટેજ પર?
સ્થાનિક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વિસ્તારના વિકાસ માટે સરકાર વારંવાર વચનો આપે છે, પરંતુ વાસ્તવમાં કામ નથી થતા.
સરકારના કાર્યક્રમો દરમિયાન વિકાસની વાતો માત્ર સ્ટેજ સુધી મર્યાદિત રહી જાય છે.
આજે જ્યારે 17 તાલુકાઓ જાહેર થયા ત્યારે સાંતલપુરનું નામ ન આવતાં લોકોમાં નિરાશા ફેલાઈ છે.
છેવાડાના ગામોની વેદના
સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોમાં રહેનારા લોકો માટે વારાહી સુધી જવું એ મોટો બોજ બની ગયું છે.
પીપરાળા, જાખોત્રા, એવાલ જેવા ગામોના લોકોએ જણાવ્યું કે નાના કામ માટે પણ આખો દિવસ બગાડવો પડે છે.
ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને ગરીબ વર્ગના લોકોને આ અંતર મોટું કષ્ટ આપે છે.
જો સાંતલપુરમાં જ મુખ્ય કચેરીઓ ઊભી કરવામાં આવે તો પ્રજાને મોટી રાહત મળી શકે.
વર્ષોની માગનું સુરસુરિયું
આજની જાહેરાત બાદ ફરી એક વખત સાંતલપુર તાલુકાના વિભાજનની માગ જોર પકડતી જોવા મળી રહી છે.
વિસ્તારના લોકોનું કહેવું છે કે સરકાર જો ખરેખર પછાત વિસ્તારને વિકાસના માર્ગે દોરવા માંગતી હોય તો સાંતલપુર તાલુકાનું વહેલું વિભાજન કરીને પ્રજાને હેરાનગતિમાંથી છૂટકારો આપવો જોઈએ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
