હારીજ અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ગોવાળ પાછળ ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્ છે. ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્રિત કરવામાં આવી હતી. એ બાદ ફટાકડા ફોડીને ગૌ માતાના જય જય કાર સાથે ગોવાળોએ ગાયોને દોડાવી હતી. ગાયો દોડતી હોય ત્યારે એની ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી હતી. ગાયોને ચારો નાખી દાન પુણ્ય કરવામાં પણ આવ્યું હતું. એકસાથે સમગ્ર ગામની ગાયોને દોડાવવામાં આવી
પાટણ જિલ્લામાં હારીજ તાલુકાના ગોધાણા ,બોરતવાડા તેમજ સમી તાલુકાના સમસેરપુરા, ધધાણા ગામે ગાયો દોડાવવાની પરંપરા છે. ગોધાણા ગામે એકસાથે સમગ્ર ગામની ગૌ માતાઓને જૂની પરંપરા મુજબ દોડાવવામાં આવી હતી. તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરાઈ છે
ગામના હીરાભાઈ જાદવના જણાવ્યા મુજબ દીપાવલીના પર્વમાં મહિલાઓથી માંડીને પુરુષો બધાં જ પર્વ મનાવવામાં વ્યસ્ત હોય છે, જેના કારણે ગાયોને ચરાવવા જઈ શકાતું નથી. એને પગલે બેસતા વર્ષના દિવસે ખેડૂતો લીલો ઘાસચારો ગાયોને ચરવા માટે દાન કરી દેતા હોય છે. માટે તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરી, એકસાથે ગાયોને દોડાવીને ખેતરમાં લઈ જવાની પરંપરા પહેલાં ગામે ગામ હતી. હાલમાં તાલુકાના કેટલાંક ગામોમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે. ગૌસેવકો ગાયોને ઘાસચારો અર્પણ કરે છે
સમશેરપુરા ગામે બેસતા વર્ષે સમસ્ત ગામના લોકો પાદરમાં એકઠા થાય છે. ગામના ભરવાડ સમાજના યુવાનો ગાયોને સુશોભિત કરી. પૂજન કરી નવા વર્ષના શુકન તરીકે ગામ પાદરમાં ગાયોને દોડાવે છે અને ગામના ગૌસેવકો દ્વારા આ ગાયોને ઘાસચારો અર્પણ કરે છે. ગામલોકો ગાય માતાના આશીર્વાદ સમજી ઊડતી રજને માથે ચઢાવે છે
સમશેરપુરા ગામના અરજણ ભરવાડ જણાવે છે, અમે વર્ષોથી આ પરંપરાને સાચવી રહ્યા છીએ. બેસતા વર્ષ નિમિત્તે વર્ષોથી પરંપરાગત રીતે અમારા ગામના ભરવાડ સમાજના યુવાનો ગાયોને દોડાવે છે. સમગ્ર ગામ એકસાથે મળી બેસતા વર્ષની ઉજવણી કરે છે. ગાયો દોડે છે ત્યારે એની ઊડતી રજને લોકો પવિત્ર માને છે અને નવા વર્ષના શુકન તરીકે ગાય માતાના આશીર્વાદ સમજી આ રજને લોકો માથે ચઢાવે છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!