પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જિલ્લા એસઓજી શાખાએ હારીજ અને સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી મેડિકલ ડિગ્રી અને જરૂરી લાયસન્સ વિના એલોપેથીક સારવાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ ₹35,901.14નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે હારીજ પોલીસ મથક વિસ્તારના જુના માકા ગામે ચામુંડા માતાજી મંદિર નજીક આવેલી દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સંજયભાઈ હરિશંકર વ્યાસ (રહે. નિર્મલનગર, પાટણ) કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના દર્દીઓને એલોપેથીક સારવાર આપતા હોવાનું સામે આવ્યું હતું. તેમની પાસેથી અંદાજે ₹9,526.14ની દવાઓ અને મેડિકલ સાધનો કબજે કરવામાં આવ્યા હતા.
બીજી કાર્યવાહીમાં સમી તાલુકાના માંડવી ગામના રાવળવાસ વિસ્તારમાંથી નરેશકુમાર જયંતીજી વાઘેલાને પણ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી અંદાજે ₹26,375ની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 319(2) તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ-30 હેઠળ હારીજ અને સમી પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એસઓજી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીની આગેવાનીમાં કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે આવી જ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
