કચ્છ બ્રાન્ચ કેનાલ પર લોકોની અવરજવર માટે વર્ષો પહેલા બનાવાયેલા અનેક બ્રિજ હાલમાં બિસ્માર સ્થિતિએ પહોંચી ગયા છે, જેને કારણે વાહનચાલકો તથા ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ વધતી જઈ રહી છે.

ઝઝામ ગામ નજીકનો પુલ છેલ્લા બે વર્ષથી ખરાબ હાલતમાં છે. તંત્ર દ્વારા પુલની મરામત કે નવો પુલ બાંધવા કરતા, છેલ્લા છ મહિનાથી આ પુલને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રાધનપુરથી કિલાણા જતી એસટી બસ ઝઝામ ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર ઊભી રહે છે. પરિણામે વારાહી સહિત પાસના ગામોના વિદ્યાર્થીઓએ રોજ પગપાળા દોઢથી બે કિલોમીટર ચાલીને બસ સુધી જવું પડે છે. ગ્રામજનો માટે પણ દૈનિક અવરજવર મુશ્કેલ બની ગઈ છે.
તે જ રીતે બાબરા-બાવરડા માર્ગ પર કચ્છ બ્રાન્ચ કેનાલ પરનું બીજું બ્રિજ પણ બિસ્માર બની ગયું છે. બ્રિજની બંને બાજુ ખાડા પડી ગયા હોવાથી કોઈપણ સમયે વાહન અથવા પશુ નીચે પડી જવાની શક્યતા છે. તાત્કાલિક જોખમ ટાળવા ગામજનો દ્વારા બાવળના કાંટા નાખીને માર્ગને અસ્થાયી રીતે સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં નર્મદા ખાતા તથા સંબંધિત તંત્રોએ અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી. બે પુલોની ખરાબ હાલતને કારણે કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવી ચેતવણી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.
સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે ઝઝામ અને બાબરા-બાવરડા માર્ગ ઉપર આવેલા બંને બ્રિજ તાત્કાલિક તોડી નવીન મજબૂત બ્રિજનું કામ શરૂ કરવામાં આવે જેથી લોકોની અવરજવર ફરીથી સલામત અને સુગમ બને.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
