રાધનપુરના કૈલાશ શોપિંગ સેન્ટરમાં બનેલી ભયાનક આગની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
![]()
![]()
![]()
![]()
![]()
![]()
આ આગમાં અનેક વેપારીઓનું કરોડો રૂપિયાનું માલસામાન બળીને ખાખ થઈ જતાં વેપારીઓ પર આર્થિક આફત આવી પડી છે.
ઘટનાને લઈને વેપારીઓએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે અને પ્રશાસન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, આટલી મોટી ઘટના બનવા છતાં સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ કે અન્ય કોઈ ચૂંટાયેલ નેતા ઘટના સ્થળે પહોંચ્યા નહોતા.
“અગ્નિકાંડ પછી અમારું બધું બળીને ખતમ થઈ ગયું, છતાં કોઈ જવાબદાર વ્યક્તિ અમારી વચ્ચે આવ્યા નહીં,” એવો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.
વેપારીઓએ આગ લાગ્યાના સમગ્ર ઘટનાક્રમની તટસ્થ તપાસની માંગ ઉઠાવી છે. કેટલા વાગ્યે વીજળી ગઈ, કેટલા વાગ્યે આગ ભભૂકી અને તે દરમિયાન શું પરિસ્થિતિ હતી—આ તમામ બાબતોની તપાસ કરી CCTV ફૂટેજના આધારે સાચો અહેવાલ જાહેર કરવામાં આવે તેવી માંગ છે.
ઘટના બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા નથી, એવો પણ આક્ષેપ થયો છે.
વેપારીઓનું કહેવું છે કે પાલિકા પ્રમુખ અને ધારાસભ્યને ઘટનાની સંપૂર્ણ જાણ હોવા છતાં તેઓ ઘટના સ્થળે આવવાને બદલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા દોડી ગયા.
“આવા સમયે જનતાની વેદના કોણ સાંભળશે?” એવો પ્રશ્ન વેપારીઓએ ઉઠાવ્યો છે.
નગર સેવક જયા ઠાકોરે જણાવ્યું કે આગ કેવી રીતે અને કયા સમયે લાગી તેની ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજની તપાસ કરી કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળે આવ્યા નથી, જે દુઃખદ બાબત છે.
વેપારીઓએ ગંભીર આરોપ લગાવ્યો કે રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટિંગ સિસ્ટમ નિષ્ક્રિય હાલતમાં હતું. સ્થાનિક સ્તરે આગ કાબુમાં લેવા માટે કોઈ સગવડ ન હોવાથી પાટણ અને પાલનપુરથી ફાયર બ્રિગેડ બોલાવવી પડી, જેને પહોંચતા 4થી 5 કલાક જેટલો સમય લાગ્યો. આ વિલંબ દરમિયાન દુકાનોમાં રહેલો મોટાભાગનો માલસામાન બળી ગયો.
જયા ઠાકોરે વધુમાં જણાવ્યું કે નગરપાલિકા ભાજપ શાસિત હોવા છતાં એક પણ ચૂંટાયેલ સદસ્ય ઘટના સ્થળે હાજર રહ્યો નથી. “રાધનપુર નગરપાલિકામાં આગ જેવી આફત સામે લડવા માટે જરૂરી સુવિધાઓ નથી. આવા સંજોગોમાં પાલિકા પ્રમુખે સીએમના કાર્યક્રમમાં જવું જરૂરી હતું કે લોકોની વચ્ચે રહી તેમની સમસ્યા સમજવી?” એવો કડક સવાલ તેમણે કર્યો.
વેપારીઓ અને સ્થાનિક આગેવાનોની એકસુરે માંગ છે કે આગના કારણો, નગરપાલિકાની સુવિધાઓની હકીકત અને સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તથા પારદર્શક તપાસ કરવામાં આવે અને તેનો સંપૂર્ણ રિપોર્ટ જાહેર જનતા સમક્ષ મુકવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

