રાધનપુર શહેર અને તાલુકામાં યુરિયા ખાતરના વેચાણમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
![]()
![]()
સરકાર દ્વારા નિયત ભાવવાળી યુરિયા ખાતરની થેલી ખેડૂતોને બિલમાં ₹270 દર્શાવી વાસ્તવમાં ₹320 સુધીની રકમ વસૂલવામાં આવી રહી હોવાનો ખેડૂતોએ ખુલાસો કર્યો છે.
બિલ તથા ખાતરની થેલીના ફોટા સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, IFFCO દ્વારા સપ્લાય કરવામાં આવતી ભારત યુરિયા ખાતરની થેલી પર મહત્તમ વેચાણ ભાવ (MRP) સ્પષ્ટ લખાયેલ હોવા છતાં કેટલાક એગ્રો સેન્ટર સંચાલકો મનમાની કરી રહ્યા છે. સરકારની સબસિડીવાળી યોજનાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત ખાતર સાથે સરકારની માર્ગદર્શિકા મુજબ ફ્રી આપવામાં આવતી દવાની બોટલ પણ અનેક એગ્રો સેન્ટરોમાં આપવામાં આવતી નથી. આ બાબતે પ્રશ્ન ઉઠાવતાં ખેડૂતોને ધમકીભર્યા અથવા ઉલટા જવાબો આપવામાં આવતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે.
સતત વધતી મોંઘવારી, બિયારણ, દવા અને ખાતરના ભાવોથી પહેલેથી જ આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો માટે આવી ગેરરીતિઓ વધુ મુશ્કેલી ઉભી કરી રહી છે. આ સમગ્ર મામલે કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્રની દેખરેખ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. નિયમિત તપાસના અભાવે કેટલાક એગ્રો સેન્ટરો બેફામ બન્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતોએ માંગ ઉઠાવી છે કે દોષિત એગ્રો સેન્ટર સંચાલકો સામે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ગેરરીતિથી વસૂલ કરેલી વધારાની રકમ પરત અપાવવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી લૂંટ અટકાવવા કડક નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે. રાધનપુરમાં આ મુદ્દો હવે તીવ્ર બન્યો છે અને તંત્રની કાર્યવાહી તરફ સૌની નજર છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

