સિધ્ધપુર–ગાંગલાસણ રોડ ઉપર આવેલી આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી થયેલી ઇસબગુલ (ઘોડાજીરુ)ની ભુસી ચોરીના અનડિટેક્ટ ગુનાનો સિધ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજર વિજયકુમાર શંકરલાલ પટેલ દ્વારા સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર તા. 18/12/2025ના રોજ વહેલી સવારે 4:45 થી 6:15 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ઇસબગુલની ભુસી ભરેલા પાંચ કટ્ટા, કુલ વજન 125 કિલો અને અંદાજે રૂ. 75,000ની ચોરી કરવામાં આવી હતી.
સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી સાહેબની સૂચના મુજબ મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ કેસો ઉકેલવા માટે સિધ્ધપુર પોલીસને તત્કાલ કાર્યવાહી માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ ઇસમ રઘાજી હેમતાજી (મૂળ રહે. કોટાવાડા, તા. સરસ્વતી, જી. પાટણ, હાલ રહે. તાવડીયા, તા. સિધ્ધપુર) મળી આવ્યો હતો.
તેની પાસેથી 40 કિલો ઇસબગુલ ભુસી (રૂ. 24,000), ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ (રૂ. 50,000) તથા મોબાઇલ ફોન (રૂ. 15,000) મળી કુલ રૂ. 85,000નો મુદામાલ કબજે કરવામાં આવ્યો.
આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે તાવડીયા ખાતેના પૂજન રેસીડન્સીમાં સંતાડેલ વધુ 171 કિલો ઇસબગુલ ભુસી પાવડર (રૂ. 6,840) હોવાની કબૂલાત આપતાં તે પણ રીકવર કરવામાં આવ્યો હતો.
આમ કુલ રૂ. 95,840નો ચોરાયેલ મુદામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે તેમજ પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
