પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો. આખલાના અચાનક હુમલાઓને કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ હુમલાઓમાં અત્યાર સુધીમાં બે નિર્દોષ લોકોના કરુણ મોત થયા હતા જ્યારે 10થી વધુ ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. ગંભીર પરિસ્થિતિ સર્જાતા અંતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સાંતલપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં રખડતા આખલાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. રસ્તા પર ચાલતા રાહદારીઓ, દુકાનદારો અને વાહનચાલકો પર અચાનક હુમલાઓ થવાથી લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરતા હતા. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે સ્થિતિ વધુ જોખમી બની હતી. વારંવાર રજૂઆતો છતાં સમયસર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ગંભીર સમસ્યા અંગે આખરે સાંતલપુરના વેપારીઓ અને ગ્રામજનોએ સ્થાનિક મહિલા સરપંચના પતિ જયેન્દ્રસિંહ સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. ગ્રામજનોની વેદનાને ધ્યાનમાં લઈ જયેન્દ્રસિંહે વિલંબ કર્યા વગર તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય લીધો હતો.
તેમની આગેવાની હેઠળ સ્થાનિક ગ્રામજનો અને રણુજા ગ્રુપના સ્વયંસેવકો એકત્ર થયા હતા. સાંતલપુર ગામ તથા બજાર વિસ્તારને આવરી લઈ રખડતા આખલાઓને પકડવાની વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ભારે મહેનત અને સાવચેતી સાથે આખલાઓને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન 30થી વધુ રખડતા આખલાઓને સફળતાપૂર્વક પકડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામ આખલાઓને કોઈને ઇજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે સાંતલપુર સ્થિત ખીમેશ્વર ગૌશાળા ખાતે મોકલવામાં આવ્યા છે. આખલાઓ દૂર થતાં ગામમાં રાહતનો શ્વાસ લેવાયો છે.
આ કાર્યવાહી બાદ સાંતલપુર ગામમાં ફરીથી શાંતિ અને સુરક્ષાનો માહોલ સર્જાયો છે. લાંબા સમયથી આખલાના ત્રાસથી પરેશાન ગ્રામજનોએ આ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ લોકહિતમાં આ કામગીરી સફળ બનાવનાર જયેન્દ્રસિંહ તેમજ તમામ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.
તેમજ ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે ભવિષ્યમાં રખડતા પશુઓના પ્રશ્ને કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ફરી કોઈ નિર્દોષનો જીવ ન જાય અને ગામમાં આવી દુર્ઘટનાઓ પુનરાવર્તિત ન થાય.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
