સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના વિરમભાઈ આહીરે કચ્છ કેનાલની સફાઈ અને અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામ નજીકથી પસાર થતી કચ્છ કેનાલમાં ગાદ અને માટીના થર જમા થઈ જતાં પાણીના સુચારૂ વહન અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો દ્વારા કેનાલની તાત્કાલિક સફાઈ તેમજ અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
રણમલપુરા ગામના વિરમભાઈ આહીરના જણાવ્યા મુજબ હાલમાં કચ્છ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ કેનાલના કેટલાક ભાગોમાં અંદાજે એક મીટર જેટલી માટી અને ગાદ જમા થઈ ગઈ છે. જેના કારણે કેનાલની પાણી વહન ક્ષમતા પર અસર થવાની શક્યતા છે. જો સમયસર સફાઈ ન કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલના નિર્માણ અને જાળવણી સંબંધિત કેટલાક કામો હજુ પણ અધૂરા અને કાચા હાલતમાં છે. અનેક જગ્યાએ મરામત અને મજબૂતીકરણની જરૂરિયાત હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વરસાદી મોસમ દરમિયાન પણ વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિરમભાઈ આહીરે જણાવ્યું હતું કે કચ્છ કેનાલ વિસ્તારના ખેડૂતો માટે જીવનદોરી સમાન છે. કેનાલ મારફતે મળતા પાણી પર ખેતીનો મોટો આધાર રહેલો હોવાથી તેની નિયમિત સફાઈ અને જાળવણી અત્યંત જરૂરી છે. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરી કેનાલમાંથી ગાદ અને માટી દૂર કરવા તેમજ બાકી રહેલા તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી છે.
વિરમભાઈ આહીર નું કહેવું છે કે કેનાલની યોગ્ય જાળવણી કરવામાં આવશે તો પાણીનો પ્રવાહ સરળ બનશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. હવે સંબંધિત વિભાગ દ્વારા આ રજૂઆતને કેટલું મહત્વ આપવામાં આવે છે અને ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
