આશા બહેનોના ભથ્થાંમાં ગોટાળો: સમી હેલ્થ કચેરીમાં ₹27 લાખથી વધુની ઉચાપતનો આરોપ
સમી હેલ્થ કચેરીમાં ₹27.19 લાખના કૌભાંડનો પર્દાફાશ, આઉટસોર્સિંગ ક્લાર્ક સામે ગુનો નોંધાયો
પાટણ જિલ્લાના સમી તાલુકા હેલ્થ કચેરીમાં સરકારી નાણાંની મોટી ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આશા બહેનોના માનદ વેતન, સરકારી ગ્રાન્ટ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં છેડછાડ કરીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ભામાથળ ગામના ભરતભાઈ પશાભાઈ નાડોદા વર્ષ 2018થી વિવિધ એજન્સીઓ મારફતે સમી તાલુકા હેલ્થ કચેરીમાં આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નિકુલકુમાર નાયકે તેમની સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
માર્ચ અને એપ્રિલ-2026 દરમિયાન આશા બહેનોને મળવાપાત્ર ટોપઅપ અને વધારાના ભથ્થાં જમા ન થતાં મામલો બહાર આવ્યો હતો. આંતરિક તપાસ દરમિયાન આરોપીએ સરકારી ચેક અને બેંક ટ્રાન્સફર સંબંધિત દસ્તાવેજોમાં ફેરફાર કરીને નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાનું સામે આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે આશા બહેનોના માનદ વેતન માટેના રૂ.6.79 લાખના ચેકમાં ફેરફાર કરીને વધુ રકમ દર્શાવવામાં આવી હતી. ઉપરાંત કર્મચારીઓની બેંક ટ્રાન્સફર યાદીમાં ગેરરીતિ કરીને આશરે રૂ.21 લાખ પોતાના ખાતામાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં અધિકારીઓની ખોટી સહીનો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કચેરીના કન્ટીજન્સી ખર્ચ, વીજબીલ અને વિવિધ કર્મચારી કપાતની રકમ સહિત કુલ રૂ.48.60 લાખની ગેરરીતિ થઈ હોવાનું નોંધાયું છે. જોકે આરોપીએ રૂ.21.40 લાખ પરત જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં રૂ.27.19 લાખની કાયમી ઉચાપત થયાનું ફરિયાદમાં જણાવાયું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી બાદ સમી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સંબંધિત એજન્સીએ આરોપી કર્મચારીને ફરજમુક્ત કરી દીધા છે. સાથે જ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા બેંક કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
