પાટણ જિલ્લા કોર્ટમાં સુરક્ષા ભંગની ગંભીર ઘટના, વકીલોમાં રોષ

પાટણ શહેરની પાટણ જિલ્લા કોર્ટ માં ધોળા દિવસે સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટ પરિસરમાં આવેલા વકીલ રૂમમાં વકીલો હાજર હતા તે દરમિયાન એક અજાણ્યા ઇસમે અચાનક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, આરોપીએ પોતાના ફેટામાંથી ધારિયું કાઢી વકીલ તરફ ફેંક્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ વકીલને ઇજા પહોંચી નથી, પરંતુ ઘટનાથી કોર્ટ પરિસરમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાના પગલે વકીલોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. કોર્ટ જેવી અતિ સંવેદનશીલ જગ્યા પર પોલીસ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સુરક્ષામાં ખામી હોવાનું જણાવી વકીલોએ કામકાજથી અળગા રહી હડતાલ પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કોર્ટ પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી છે. વકીલોએ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની તેમજ આરોપીની તાત્કાલિક ઓળખ કરી કડક કાર્યવાહી કરવાની માગણી કોર્ટ સમક્ષ કરી છે.
આ ઘટનાએ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની તાતી જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
