અચાનક કનેક્શન કપાતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન, કચેરીની કામગીરી પર સવાલ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધતા લાઈટ બિલ અને અચાનક કનેક્શન બંધ થવાના બનાવોને લઈને ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સામાન્ય ઘરેલુ વપરાશ હોવા છતાં અગાઉ કરતાં વધુ બિલ આવતાં ઘણા પરિવારો આર્થિક દબાણ અનુભવી રહ્યા છે.

ગ્રામ્ય ગ્રાહકોનો આક્ષેપ છે કે ઘણા કેસોમાં બિલ સમયસર આપવામાં આવતું નથી તેમજ મોબાઇલ પર પૂર્વ જાણ પણ કરવામાં આવતી નથી. કેટલાક નવા કનેક્શન ધરાવતા ગ્રાહકોને બિલ અંગેની સ્પષ્ટ માહિતી ન મળતા અચાનક લાઈટ બંધ થયા બાદ જ ખબર પડે છે કે બિલ બાકી છે. ત્યારબાદ ગ્રાહકોને કચેરી સુધી જઈ બાકી બિલ ભરવાનું કહેવામાં આવે છે અને સાથે ₹100 જેટલો આર.સી. દંડ પણ વસૂલવામાં આવે છે, ત્યારબાદ જ કનેક્શન ફરી શરૂ કરવામાં આવે છે.

રાધનપુર નજીક પાલનપુર-કંડલા હાઇવે પર આવેલી તાલુકા વીજ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં ગ્રામ્ય ગ્રાહકો પોતાના પ્રશ્નો લઈને પહોંચતા જોવા મળે છે. મજૂરી કામ કરતા ઘણા લોકો કહે છે કે દિવસભરનું કામ છોડીને કચેરી સુધી આવવું પડે છે, જેના કારણે રોજિંદી આવક પર અસર પડે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જૂના મીટર સમયમાં બિલની પ્રક્રિયા સરળ હતી, જ્યારે સ્માર્ટ મીટર સિસ્ટમ અંગે પૂરતી સમજણ ન મળતા સામાન્ય ગ્રાહકો માટે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. વધતા બિલ અને વધારાના દંડને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે.

કેટલાક અરજદારોના જણાવ્યા મુજબ કચેરી ખાતે ફરિયાદ લઈને આવેલા ગ્રાહકો સાથે યોગ્ય રીતે વાતચીત કરવામાં આવતી નથી તેવી ફરિયાદો પણ સામે આવી રહી છે. જેના કારણે લોકોમાં નારાજગી વધુ વધી રહી છે.

હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો જીરૂં, રાયડો અને ચણા જેવા પાકની કામગીરીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં અચાનક લાઈટ બંધ થતાં ખેડૂતોને કામ છોડીને કચેરી સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખેતી બંને પર અસર પડી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સ્માર્ટ મીટર બાદ વધતા બિલ, સમયસર બિલ ન મળવું અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે સરકાર દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!