પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટ યાર્ડમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવતા વેપારીઓમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાયું છે. મળતી માહિતી મુજબ, ‘પ્રો. યૌધરી નાનજીભાઈ ભગવાનભાઈ ગોચનાદવાળા’ નામના વેપારી સામે અનેક વેપારીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે.

આરોપ મુજબ, સંબંધીત વ્યક્તિએ પહેલા સામાન્ય લેવડદેવડ દ્વારા વેપારીઓ સાથે વિશ્વાસ ઉભો કર્યો હતો. ખાસ કરીને નવા વેપારીઓ સાથે સારા સંબંધ બાંધી, બાદમાં મોટી માત્રામાં માલ ઉધાર લઈ લીધો હતો. પરંતુ ચુકવણી કરવાની વારે અચાનક સંપર્ક તોડી ફરાર થઈ જતાં વેપારીઓને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
વેપારીઓના કહેવા મુજબ, આ મામલામાં અંદાજે ₹2.75 કરોડ જેટલી રકમ ફસાઈ હોવાની ચર્ચા છે. હાલ આરોપીનો મોબાઈલ બંધ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેની શોધખોળ વધુ મુશ્કેલ બની રહી છે.
ઘટના સામે આવતા પીડિત વેપારીઓ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.
વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે આ પ્રકારની છેતરપિંડી અગાઉ પણ બની ચૂકી છે, જેના કારણે હવે માર્કેટ યાર્ડમાં નવા વેપારીઓ ખાસ સાવચેત બન્યા છે. જો આવી ઘટનાઓ પર રોક નહીં લાગે તો રાધનપુરના વેપાર પર લાંબા ગાળે નકારાત્મક અસર પડી શકે છે.
હાલ વેપારીઓને આશા છે કે પોલીસ ઝડપથી આરોપીને પકડીને ન્યાય અપાવશે અને આવનારા સમયમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
