કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામમાં ફરી એકવાર રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવતો નિર્ણય સામે આવ્યો છે. સેલારી ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 59(1) હેઠળ ફરી એકવાર સરપંચ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ શ્રી ઉત્સવ ગૌતમ (IAS) દ્વારા તા. 04 જૂન 2026ના રોજ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, જ્યારે તા. 05 જૂન 2026ના રોજ તાલુકા પંચાયત, રાપર દ્વારા તલાટી-કમ-મંત્રીને આદેશની તાત્કાલિક અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલો મહારાષ્ટ્રના કલ્યાણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા ગુનાને લઈને છે. ફરિયાદ મુજબ મહેશભાઈ ચૌધરી સામે IPCની કલમ 420, 406, 467, 465, 468, 471 અને 472 હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયા હતા. કેસમાં આશરે રૂ. 3.47 કરોડની છેતરપીંડી અને દસ્તાવેજી બનાવટના આરોપો લગાવવામાં આવ્યા છે. આ કેસમાં તા. 13 જૂન 2022ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટ કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હાલ તેઓ જામીન પર મુક્ત છે, પરંતુ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.
મહેશભાઈ ચૌધરી માટે આ પહેલી કાર્યવાહી નથી. અગાઉ ડિસેમ્બર-2022માં પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરતાં તેમને મનાઈ હુકમ મળ્યો હતો. ત્યારબાદ અધિક વિકાસ કમિશનર, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-2025માં અગાઉનો આદેશ રદ કરી મામલો ફરી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વિચારણા માટે મોકલવામાં આવ્યો હતો.
માર્ચથી જૂન-2026 દરમિયાન અનેક સુનાવણીઓ યોજાઈ હતી. જેમાં સરપંચ, તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી-કમ-મંત્રી હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન સરપંચ તરફથી દલીલ કરવામાં આવી હતી કે મૂળ ફરિયાદી દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે અને મામલો વ્યક્તિગત મિલકત વિવાદ સાથે જોડાયેલો છે. ઉપરાંત રાજકીય દ્વેષભાવથી કાર્યવાહી થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જોકે જિલ્લા વિકાસ અધિકારીએ આ દલીલો નામંજૂર કરી નોંધ્યું હતું કે ગુનાની પ્રકૃતિ ગંભીર અને નૈતિક અધઃપતન સાથે સંબંધિત છે. કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે અને આવી સ્થિતિમાં સરપંચ પદ પર ચાલુ રાખવાથી ગ્રામ પંચાયતના વહીવટ અને જાહેર વિશ્વાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ નૈતિક અધઃપતનવાળા ગુનામાં સંડોવાયેલા સરપંચ અથવા ઉપસરપંચ સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે. આ જોગવાઈ હેઠળ કેસનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી અથવા કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સસ્પેન્શન યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે મહેશભાઈ ચૌધરી તાજેતરમાં ચૂંટાયેલા ભાજપ સભ્ય વિમળાબેન ચૌધરીના પતિ છે, જેના કારણે સમગ્ર મામલો સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ કાર્યવાહી બાદ સેલારી ગ્રામ પંચાયતના વહીવટ અને સ્થાનિક રાજકીય સમીકરણોમાં શું ફેરફાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
