હારીજ તાલુકાની કૂકરાણા સેવા સહકારી મંડળીમાં આશરે રૂ. 1.20 કરોડની ઉચાપત અને નાણાકીય ગેરરીતિનો મોટો મામલો સામે આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નિયમિત ઓડિટ દરમિયાન બહાર આવેલી અનિયમિતતાઓએ મંડળીના સભ્યો અને ખેડૂતોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મંડળીના પ્રમુખ અને મંત્રી પર સભ્યોને અંધારામાં રાખી નાણાંનો ગેરવહીવટ કર્યાના ગંભીર આક્ષેપો થયા છે. તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં કેટલીક મહત્વની બાબતો પ્રકાશમાં આવી છે, જેના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ મામલે મંડળીના પ્રમુખ હરગોવન પટેલ અને મંત્રી નટવર વાઘેલા સામે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ એજન્સીઓ સમગ્ર વ્યવહારોની ચકાસણી કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
કૌભાંડના આક્ષેપોને પગલે મંડળીના સભ્યો અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. હવે સમગ્ર જિલ્લાની નજર તપાસના પરિણામો અને સંભવિત કાર્યવાહી પર મંડાયેલી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
