રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં રેશનકાર્ડ બંધ થવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોનો આક્ષેપ છે કે જમીન વિહોણા અને આર્થિક રીતે નબળા પરિવારોના રેશનકાર્ડ પણ વારસાઈ જમીનની નોંધના આધારે બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો સરકારી અનાજથી વંચિત બન્યા છે.

ગામમાં આ મુદ્દે લોકોની રજૂઆતો સાંભળવા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા રાધનપુર નગરપાલિકાના વિપક્ષ નેતા જયાબેન ઠાકોર પહોંચ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં 70થી વધુ રેશનકાર્ડ હાલમાં બંધ હાલતમાં છે. અનેક અરજીઓ અને પુરાવા રજૂ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તેવી ફરિયાદો કરવામાં આવી છે.

અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે કેટલાક લોકો પાસે પોતાની કોઈ ખેતીલાયક જમીન કે આવકનું સાધન નથી, છતાં સરકારી રેકોર્ડમાં દર્શાવાતી વારસાઈ જમીનના આધારે તેમને જમીનધારક ગણાવવામાં આવ્યા છે. મહિલાઓના નામે સંયુક્ત કૌટુંબિક મિલકતમાં હિસ્સો દર્શાવાતા સમગ્ર પરિવારને પાત્રતાની બહાર ગણાવાયો હોવાનો પણ આક્ષેપ છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગમાં અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં મહિનાઓથી કોઈ પરિણામ મળ્યું નથી.

કેટલાક પરિવારોના રેશનકાર્ડ પાંચથી છ મહિનાથી બંધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અમુક પરિવારો વર્ષોથી અનાજના લાભથી વંચિત હોવાનો દાવો કરી રહ્યા છે. ગામની વિધવા મહિલા સંગીતાબેન ભરતભાઈ સાધુના પરિવાર દ્વારા પણ રેશનકાર્ડ બંધ હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું છે.

ગ્રામજનોનો સવાલ છે કે જો ગરીબ, વિધવા અને જમીન વિહોણા પરિવારોને પણ અનાજથી વંચિત રાખવામાં આવે તો ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ કોને મળી રહ્યો છે. તેમણે જિલ્લા કલેક્ટર, પુરવઠા વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીને યોગ્ય પાત્ર પરિવારોના રેશનકાર્ડ તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.

ગામલોકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મહિલાઓ અને ગ્રામજનો સાથે મળી તાલુકા સેવા સદન ખાતે ધરણા-પ્રદર્શન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

હવે સમગ્ર મામલે સંબંધિત તંત્ર શું પગલાં ભરે છે અને અસરગ્રસ્ત પરિવારોને રાહત મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!